નર્મદા:
વરસાદને પગલે પાણીની આવક વધતા સરદાર સરોવર ડેમના 5 દરવાજા ખોલ્યા.
સરદાર સરોવરમાંથી 10000 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે.
નર્મદા કાંઠાના શિનોર, ડભોઇ અને કરજણ તાલુકાના વહીવટી તંત્રોને સંપૂર્ણ તકેદારી રાખવા સૂચના.
નર્મદા ઘાટીના ઉપરવાસના અને સ્ત્રાવ વિસ્તારોમાં થઈ રહેલા સતત વરસાદને પગલે ઓમકારેશ્વર બંધમાં થી પાણી છોડવામાં આવી રહ્યું છે. અને સરદાર સરોવર જળાશય જળ આવકથી ભરાઈ રહ્યું છે. ત્યારે આજે બપોરે 12:00 કલાકે સરદાર સરોવર ડેમના 5 દરવાજા 0.3 મીટર ખોલવામાં આવ્યા છે.
10000 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. બપોરે 12:00 કલાકે ડેમનું લેવલ: 133.77 મીટર અને પ્રવાહ: 196316 ક્યુસેક હતો.
જ્યારે RBPH: 44002 ક્યુસેક અને 10000 ક્યુસેક પાણી છોડવામાં આવ્યુ હતુ.
જ્યારે નર્મદા નદી બે કાંઠે વહેવાની શક્યતાને અનુલક્ષીને વડોદરા જિલ્લા કલેકટર અતુલ ગોરે તકેદારીના ભાગ રૂપે નર્મદા કાંઠાના શિનોર, ડભોઇ અને કરજણ તાલુકાના વહીવટી તંત્રોને સંપૂર્ણ તકેદારી રાખવા અને જરૂર પ્રમાણે સાવચેતીના તમામ પગલાં લેવા સૂચના આપી છે.આ ત્રણેય તાલુકાના નર્મદા કાંઠાના ગામોને સાવચેત કરવામાં આવ્યા છે અને ગ્રામજનોને નદી કાંઠાથી સલામત અંતર રાખવા અને સાવધ રહેવા અનુરોધ કર્યો છે.
એસ.એસ.પી.ફ્લડ કંટ્રોલ સેલના શિફ્ટ ઇન્ચાર્જ દ્વારા નિયંત્રણ કક્ષને આપવામાં આવેલી જાણકારી પ્રમાણે ગઇ કાલે સાંજના સાત વાગે સરદાર સરોવર ખાતે પાણીની સપાટી વધીને 132.86 મીટર થઈ છે. અને બંધનો જળ ભંડાર 80 ટકાથી વધુ ભરાયો છે.આ સપાટીને ચેતવણીની સપાટી ગણવામાં આવે છે.બંધની પૂર્ણ સપાટી 138.68 મીટર છે જ્યારે બંધ 100 ટકા ભરાઈ જાય છે.
આમ,10000 ક્યુસેક પાણી છોડવામાં આવતા નર્મદા બંને કાંઠે વહે તેવી પ્રબળ શક્યતા છે.એટલે નર્મદા કાંઠાના ગામોમાં સંપૂર્ણ અને તમામ પ્રકારની તકેદારી રાખવા સૂચના આપવામાં આવી છે.
કરજણ તાલુકાના નર્મદા કાંઠાના ગામોને સાવચેત કરવામાં આવ્યા
નર્મદા નદી બે કાંઠે વહેવાની સંભાવના ને અનુલક્ષીને જિલ્લા કલેકટર તરફથી મળેલી સૂચનાના અનુસંધાને પ્રાંત અધિકારી અને નાયબ કલેકટર, કરજણ દ્વારા તાલુકાના નર્મદા કાંઠાના તમામ ગામોમાં સંપૂર્ણ સાવધાની રાખવા સંબંધિતોને સૂચના આપી છે. જરૂર પડ્યે નદી કાંઠા નજીક રહેતા લોકોને સલામત સ્થળે ખસેડવાની તૈયારી રાખવા અને તમામ કર્મચારીઓને હેડ ક્વાર્ટરમાં રહેવા જણાવવામાં આવ્યું છે.
Narmada Dam