Breaking News, EL News
અમેરિકાની મુલાકાતે ગયેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું અમેરિકન રાષ્ટ્રપતિ જો બાઇડન અને અમેરિકાની ફર્સ્ટ લેડી જિલ બાઇડન દ્વારા ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું. આ દરમિયાન ‘ગ્રાન્ડ સ્ટેટ ડિનર’નું આયોજન કરવામાં આવ્યું. આ દરમિયાન પીએમ મોદીએ અમેરિકાના રાષ્ટ્રપતિની એક જૂની ઈચ્છાનો ઉલ્લેખ કર્યો અને કહ્યું કે તેમની એ જૂની ઈચ્છા આજે પૂરી થઈ રહી છે.
‘સ્ટેટ ડિનર’ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે ‘હું ભારત-અમેરિકા સંબંધો વિશે વધુ બોલવા માંગતો નથી. જ્યારે તમે 2014માં મારા માટે ભોજન સમારંભનું આયોજન કર્યું હતું. તે દરમિયાન યોગાનુયોગ મારા નવરાત્રીના 9 દિવસ ઉપવાસ હતા. ત્યારે તમે મને વારંવાર પૂછી રહ્યા હતા કે શું તમે કંઈ પણ નહીં ખાઓ? આને લઈને તમે ખૂબ જ પરેશાન પણ હતા. મને લાગે છે કે તે સમયે તમારી મને પ્રેમથી કશું જમાડવાની ઈચ્છા આજે પૂરી થઈ રહી છે.’
રાત્રિભોજન માટે શ્રી અને શ્રીમતી બાઇડનનો આભાર વ્યક્ત કર્યો
પીએમ મોદીએ ડિનરનું આયોજન કરવા બદલ રાષ્ટ્રપતિ બાઇડનનો આભાર માન્યો હતો. તેમણે કહ્યું કે ‘આજે આ અદ્ભુત રાત્રિભોજનનું આયોજન કરવા બદલ હું રાષ્ટ્રપતિ જો બાઇડનનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. મારી મુલાકાતને સફળ બનાવવા માટે વ્યક્તિગત ધ્યાન આપવા બદલ હું ખાસ કરીને ડૉ. જીલ બાઇડનનો આભાર માનું છું. આજના ભવ્ય કાર્યક્રમ માટે હું તેમને હૃદયપૂર્વક અભિનંદન આપું છું.’
આ પણ વાંચો… બેઠકમાં પાકિસ્તાને લીધો આ નિર્ણય, હવે UAE સાથે થશે ડીલ!
ભારતીય અમેરિકનોએ ઘણી લાંબી સફર કરી છે: પીએમ મોદી
સ્ટેટ ડિનર દરમિયાન પોતાના સંબોધનમાં પીએમ મોદીએ કહ્યું કે ‘ભારતીય અમેરિકનોએ અમેરિકામાં ઘણી લાંબી સફર કરી છે. ભારતીય મૂલ્યો, ભારતની લોકતાંત્રિક પરંપરાઓ અને આપણી સંસ્કૃતિમાં ગર્વથી ભરેલા આ લોકોને અમેરિકામાં સતત સન્માન મળ્યું છે.
સ્ટેટ ડિનરમાં મુકેશ અંબાણી, સુંદર પિચાઈ સહિત ભારતની અનેક મોટી હસ્તીઓ હાજર રહી
રાષ્ટ્રપતિ બાઇડન અને ફર્સ્ટ લેડી જીલ બાઇડને PM મોદીના સન્માનમાં ડિનરનું આયોજન કર્યું. આ ડિનરમાં અનેક પ્રતિષ્ઠિત હસ્તીઓએ ભાગ લીધો. આ દરમિયાન મહિન્દ્રા ગ્રુપના ચેરમેન આનંદ મહિન્દ્રા, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અને નીતા અંબાણી, ગૂગલના સીઈઓ સુંદર પિચાઈ, પેપ્સીકોના પૂર્વ સીઈઓ સહિત અનેક હસ્તીઓએ આ ડિનરમાં ભાગ લીધો.