Vadodara, EL News
વડોદરાની જાણીતી એમએસ યુનિનવર્સિટીમાં આજે ઠેર ઠેર વાઇસ ચાન્સેલર (વીસી) ડો. વિજય કુમાર શ્રીવાસ્તવ લાપતા હોવાના બેનર લગાડવામાં આવ્યા છે. આ પોસ્ટર સાથે પદવીદાન સમારોહની તારીખ જાહેર કરવા સહિતની વિવિધ માગ પણ કરવામાં આવી છે. જો કે, ‘વીસી લાપતા’ના પોસ્ટર લાગ્યા બાદ યુનિવર્સિટીમાં રાજકીય માહોલ પણ ગરમાયો છે.
મીડિયા રિપોર્ટ મુજબ, વડોદરાની એમ.એસ. યુનિવર્સિટીમાં છેલ્લા ઘણા સમયથી વીસી સમક્ષ સિન્ડિકેટના સભ્યો અને વિદ્યાર્થીઓ દ્વારા પદવીદાન સમારોહની તારીખ જાહેર કરવા માગ કરાઈ રહી છે. આ સાથે કોન્વોકેશનના ફોલ્ડર અને સ્કાર્ફ આપવા અને વિદ્યાર્થીઓને માર્કશીટ આપવાની માગ પણ સિન્ડિકેટના સભ્યો દ્વારા વારંવાર વીસી માગ સમક્ષ કરવામાં આવી રહી છે, તેમ છતાં વીસી દ્વારા કોઈ પ્રતિસાદ ન અપાતા હવે વિદ્યાર્થીઓ અને સિન્ડિકેટના સભ્યોમાં બારે રોષ જોવા મળી રહ્યો છે. ગુરુવારે એમ.એસ. યુનિવર્સિટીમાં ઠેર ઠેર ‘વીસી લાપતા’ના બેનર લગાડી વિરોધ દાખવવામાં આવ્યો છે.
આ પણ વાંચો…ગૌતમ અદાણીએ કર્યું જોરદાર કમબેક
‘વીસી નિર્ણય ન લઈ શકતા હોય તો નૈતિકતા પ્રમાણે રાજીનામું આપે’
મીડિયા અહેવાલ પ્રમાણે, વિદ્યાર્થીઓનું કહેવું છે કે વીસી દ્વારા ન તો પદવીદાન સમારોહની તારીખ જાહેર કરવામાં આવી છે અને ન તો વિદ્યાર્થીઓને હજી સુધી ફોલ્ડર, સ્કાર્ફ કે માર્કશીટ આપવામાં આવી છે. આથી વીસીએ વિદ્યાર્થીઓની માગ અંગે જલ્દી નિર્ણય લેવો જોઈએ. જો તેઓ નિર્ણય ન લઈ શકતા હોય તો તેમણે નૈતિકતા પ્રમાણે પોતાના પદ પરથી રાજીનામું આપી દેવું જોઈએ. યુનિવર્સિટીમાં લાગેલા પોસ્ટરથી રાજકીય માહોલ પણ ગરમાયો છે. જ્યારે સિન્ડિકેટની બેઠકમાં પણ હોબાળો થવાની આશંકા છે.