El News, Vadodara:
દેવાધિદેવ મહાદેવની આરાધના કરવાના મહાપર્વ આજે મહાશિવરાત્રિના પાવન દિવસે વડોદરા શહેરના પ્રતાપનગર ખાતે આવેલા ઋણમુક્તેશ્વર મહાદેવ ખાતેથી પરંપરાગત રીતે સુવર્ણ જડિત શિવ પરિવારની ભવ્ય શિવજી કી સવારી નીકળી હતી.
હર હર મહાદેવના જય ઘોષ અને ભારે આતશબાજી સાથે નીકળેલી ભવ્યાતિભવ્ય શિવજી કી સવારીમાં શહેરના ખૂણામાંથી લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા. સાંજે સીએમ ભુપેન્દ્ર પટેલની હાજરીમાં સૂરસાગર ખાતે મહાઆરતી થશે.
વિવિધ વેશભૂષામાં લોકો મોટી સંખ્યામાં જોડાયા
ઋણમુક્તેશ્વર મહાદેવના પ્રાગણમાંથી નીકળેલી આ ભવ્યાતિભવ્ય સવારીમાં સત્યમ શિવમ સુંદરમ સમિતિના અધ્યક્ષ અને ધારાસભ્ય યોગેશ પટેલ સહિત રાજકીય અગ્રણીઓ જોડાયા હતા.
ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે નીકળેલી આ ભવ્યાતિભવ્ય શિવજી કી સવારીમાં વિવિધ વેશભૂષામાં લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા.
કોઈએ ભગવાન શિવજીનું સ્વરૂપ ધારણ કર્યું હતું. તો કોઈએ માતા પાર્વતીનું રૂપ ધારણ કર્યું હતું. તો નાના બાળકોએ પણ વિવિધ વેશભૂષા રધારણ કરીને શિવજી કી સવારીમાં જોડાતા લોકોમાં ભારે આકર્ષણ જમાવ્યું હતું.
શહેરના માર્ગો ઉપર પસાર થઈ રહેલી શિવજી કી સવારીનું માર્ગમાં આવતી વિવિધ પોળોના યુવક મંડળો દ્વારા ભવ્યાતિભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. તે સાથે પુષ્પવર્ષા કરીને શિવ પરિવારના દર્શન કર્યા હતા.
સમગ્ર શહેર શિવમય બની ગયું
આ શિવજી કી સવારી ચોખંડી રોડ, માંડવી, ન્યાય મંદિર અમદાવાદી પોળ, રાવપુરા રોડ, કોઠી ચાર રસ્તા થઇ સયાજી હોસ્પિટલ ખાતે કૈલાસ પુરી સંપન્ન થશે. સવારીના માર્ગો ઉપર વિવિધ મંડળો દ્વારા ડી.જે. ગોઠવી દેવામાં આવ્યા હતા અને શિવજી કી સવારીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.
સુવર્ણજડિત શિવજી પરિવારની હર…હર…મહાદેવના જયઘોષ, ડી.જે., બેન્ડવાજા, ભજન મંડળીઓ અને ભારે આતશબાજી સાથે નીકળેલી ભવ્ય સવારીએ ભારે આકર્ષણ જમાવ્યું હતું.
હર..હર..મહાદેવના ગગનભેદી જયઘોષ, અને ડી.જે. માં ગુજતા શિવજીના ભજનો, ગીતોથી સમગ્ર શહેર શિવમય બની ગયું હતું.