Vadodara, EL News
છેલ્લા 24 કલાકમાં રાજ્યના 120થી વધુ તાલુકામાં મેઘરાજાએ જબરદસ્ત બેટિંગ કરી છે. સૌથી વધુ વિસાવદરમાં 16 ઇંચ, જામનગરમાં 13 ઇંચ, અંજારમાં 10 ઇંચ જ્યારે ભેસાણ અને કપરાડામાં 6.5 ઇંચ અને અમદાવાદમાં 6 ઇંચ સુધીનો વરસાદ નોંધાયો છે. જ્યારે હવામાન વિભાગે આગામી 24 કલાક દરમિયાન પણ ધોધમાર વરસાદ પડવાની આગાહી કરી છે. એક સાથે બે-બે સિસ્ટમ સક્રિય થતા સમગ્ર ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી વિભાગે કરી છે. વડોદરામાં પણ ગઈકાલ સાંજે એકથી દોઢ ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો.
આગામી 3થી 4 દિવસ દરમિયાન ઓરેન્જ એલર્ટ
વડોદરામાં વરસાદ થતા ઠેર-ઠેર જાહેર માર્ગો પર પાણી ભરાયા હતા, જેના કારણે ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ હતી. શહેરના રાવપુરા, ન્યાય મંદિર-માંડવીના મુખ્ય રોડ પર દોઢ જ ઈંચ વરસાદ પડતા વિસ્તાર જાણે સ્વિમિંગ પુલ બની ગયો હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. હવામાન વિભાગ દ્વારા વડોદરામાં આગામી 3થી 4 દિવસ દરમિયાન ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. આગામી 3થી4 દિવસ દરમિયાન વડોદરામાં ભારેથી અતિભારે વરસાદ પડવાની સંભાવના છે. આથી તંત્ર પણ સજ્જ થયું છે.
વિસાવદરમાં સૌથી વધુ 16 ઇંચ વરસાદ
આ પણ વાંચો… અમદાવાદ: વૈષ્ણોદેવી સર્કલ પાસે કન્સ્ટ્રક્શન સાઇટનો સ્લેબ ધરાશાયી
જણાવી દઈએ કે છેલ્લા 24 કલાકમાં રાજ્યભરમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. કેટલાક જિલ્લાઓમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. વિસાવદરમાં આભ ફાટતા સૌથી વધુ 16 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. જ્યારે જામનગરમાં 13 ઇંચ અને અંજારમાં 10 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. અમદાવાદમાં પણ 6 ઇંચથી વધુ વરસાદ પડતા ઠેરઠેર પાણી ભરાયા હતા, જેના કારણે ટ્રાફિકની ગંભીર સમસ્યા સર્જાઈ હતી. આજે પણ જૂનાગઢ, ભેસાણ, ધરમપુરમાં સાંબેલાધાર વરસાદ પડી રહ્યો છે. માહિતી મુજબ, ઓજત નદીનો પાળો તૂંટતા માણાવદર તાલુકાના કોયલાણા ગામમાં પાણી ફરી વળ્યા છે.