Vadodara, EL News
શહેર પોલીસની પીસીબી શાખાએ મંગળવારે મોડી રાતે વેશ પલટો કરી મન્સૂરી કબ્રસ્તાન પાસે ચાલતા જુગારધામ પર દરોડો પાડ્યો હતો અને 14 જુગારીઓને ઝડપી પાડ્યા હતા. આ મામલે પોલીસે પકડાયેલા આરોપીઓ સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. માહિતી મુજબ, આરોપીને પકડવા માટે પીસીબી શાખાની ટીમને લગભગ એક કલાક સુધી ગટરના ગંદા પાણીમાં ઊભા રહેવાની ફરજ પડી હતી.
પોલીસને જોઈ જુગારીઓ ગંદા નાળામાં કૂદયા
શહેર પોલીસની પીસીબી ટીમને બાતમી મળી હતી કે મન્સૂરી કબ્રસ્તાન પાસે જુગારધામ ચાલે છે અને કેટલાક શખ્સ ત્યાં જુગાર રમી રહ્યા છે. આથી બે ટીમ બનાવી મધ્યરાત્રીએ દરોડો પાડવાની યોજના પોલીસે બનાવી હતી અને વેશ પટલો કરી અલગ-અલગ ટીમ વિસ્તારમાં પહોંચી હતી. જુગારધામ પાસે ગંદા પાણીનું નાળુ હતું. આથી જુગારીઓને પકડવા માટે એક ટીમના સભ્યોને અંદાજે એક કલાક સુધી ગટરના ગંદા પાણીમાં ઊભા રહેવું પડ્યું હતું. જો કે, પોલીસને જોઈ જુગારીઓએ ગંદા નાળામાં કૂદી ભાગવાનો પ્રયત્ન કર્યો હતો અને અંદાજે એક લાખ રૂપિયા પણ નાળાના ગંદા પાણીમાં નાંખી દીધા હતા. દરમિયાન પાણીમાં ઊભેલી પીસીબીની ટીમે 14 આરોપીઓને ઝડપી લીધા હતા અને નાળામાં ફેંકેલા રૂપિયા પણ બહાર કાઢી સાફ કર્યા હતા.
આ પણ વાંચો…સરકાર દ્વારા 27 ફેબ્રુઆરીએ ઈમ્પેક્ટ ફી સુધારણા બિલ લવાશે
રૂ. 3.71 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો
આરોપીઓની પૂરપરછ તેમના નામ વસીમ પઠાણ, બાબરખાન પઠાણ, સાજિદ પટેલ, પ્રેમ પહેલવાણી, રવિ માછી, જય રામલાણી, સરફરાઝ સૈયદ, મનોજ લાલવાણી, હેમંત પહેલવાણી, શૈલેન્દ્ર ઠાકોર, નદીમ શેખ, મો.જૂનેદ અબુજીવાલા, અકબર સૂન્ની અને સંગ્રામસિંગ ખાનવીલકર હોવાનું જાણવા મળ્યું હતું. આરોપીઓ પાસેથી પોલીસે રોકડ 2.65 લાખ સહિત 3.71 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ મામલે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.