Vadodara , EL News
વડોદરામાં છાણી ગામ પાસે સર્જાયેલા ગોઝારા અકસ્માતમાં ગંભીર ઇજા થતા બે સગા ભાઈના મોત થયા છે. જ્યારે તેમનો પિતરાઈ ભાઈ ઇજાગ્રસ્ત થતા સારવાર માટે હોસ્પિટલ લઈ જવાયો છે. દુમાડ ગામમાં રહેતા ત્રણેય ભાઈ સોમવારે સાંજે બાઇક પર જઈ રહ્યા હતા ત્યારે એક આઇશર ટેમ્પોચાલકે તેમને અડફેટે લીધા હતા. આ મામલે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
ટેમ્પોએ ટક્કર મારતા ત્રણેય નીચે પટકાયા
આ પણ વાંચો…પાસ્તા માટેની રેસીપી ઓલ ટાઈમ ફેવરિટ ડિનર ડીશ બની જશે
વડોદરા શહેરના દુમાડ ગામમાં રહેતા બે ભાઈ ગિરિરાજ સિંહ વાઘેલા (ઉં.14) અને મેઘરાજ (ઉં.16 ) તેમના પિતરાઈ ભાઈ ધર્મેશ ઉર્ફ ધમો સાથે સોમવારે સાંજે છાણી ગામમાં વાળ કપાવવા માટે બાઇક પર ગયા હતા. મીડિયા અહેવાલ મુજબ, દુમાડ ચોકડી પાસે પૂરઝડપે આવતા એક આઇશર ટેમ્પોચાલકે તેમની બાઇકને ટક્કર મારી હતી. આથી ત્રણેય ભાઈ નીચે પટકાયા હતા. આ અકસ્માતમાં ગિરિરાજ અને મેઘરાજને માથાના ભાગે ગંભીર ઇજા થતા બંને સગા ભાઈઓનું ઘટના સ્થળે જ મોત થયું હતું.
લોકોએ ચક્કાજામ કરી રોષ દાખવ્યો
જ્યારે ધર્મેશને ગંભીર ઇજા થતા સારવાર માટે હોસ્પિટલ લઈ જવાયો હતો. આ અકસ્માત બાદ સ્થાનિકો લોકોની ભીડ ઉમટી આવી હતી અને રોષ દાખવ્યો હતો. છાણી પોલીસના જણાવ્યા મુજબ, આ અકસ્માત બાદ લોકો રોષે ભરાયા હતા અને ચક્કાજામ કર્યો હતો. પરિવાર અને ગ્રામજનોએ ભારે વિરોધ કર્યો હતો અને મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો. જોકે, પોલીસના સમજાવ્યા બાદ લોકો શાંત થયા હતા. કન્ટેનચાલક અને આઇસરચાલક પણ ત્યાં જ હતા. આ મામલે પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.