Vadodara, EL News
બિપરજોય વાવાઝોડાની અસર વડોદરા શહેરમાં પણ જોવા મળી છે. વાવાઝોડાના કારણે વડોદરામાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો છે. ત્યારે નાગરવાડા વિસ્તારમાં એક મહાકાય વડ વૃક્ષ ધરાશાયી થતા 4 લોકો, એક રિક્ષા અને 2 ટુ-વ્હિલર તેની નીચે દબાયા હતા. સાથે જ વૃક્ષ પાસે આવેલું મકાન પણ ધરાશાયી થયું હતું. આ દુર્ઘટનામાં મકાનમાં રહેતી મહિલા ઇજાગ્રસ્ત થઈ હતી. જ્યારે વૃક્ષ નીચે દબાયેલા લોકોનું રેસ્ક્યૂ કરી સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
ખાટલામાં સુવડાવી રેસ્ક્યૂ કરાયું
વડોદરામાં શુક્રવારે બપોરે લગભગ 12 વાગ્યાની આસપાસ નાગરવાડા વિસ્તારમાં એક મહાકાય વડ વૃક્ષ ધરાશાયી થયું હતું. આ વૃક્ષ નીચે 4 લોકો દબાઈ ગયા હતા. જો કે, સ્થાનિક લોકો દ્વારા તેમનું રેસ્ક્યૂ કરીને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ફાયર બ્રિગેડની ટીમ આવે તે પહેલા જ સ્થાનિકો દ્વારા વૃક્ષ નીચે દબાયેલા લોકોને બહાર કાઢી ખાટલામાં સુવડાવી રેસ્ક્યૂ કરવામાં આવ્યું હતું. ફાયર બ્રિગેડની ટીમે વૃક્ષને હટાવવાની કામગીરી હાથ ધરી હતી.
આ પણ વાંચો… જખૌથી 180 કિમી દૂર બિપોરજોય આવતા પહેલા ગુજરાતમાં ઘેરી ચિંતા,
એક રિક્ષા અને 2 ટુ-વ્હિલર પર દબાયા
આ મહાકાય વડ વૃક્ષ નીચે એક રિક્ષા અને 2 ટુ-વ્હિલર પર દબાયા હતા. ઉપરાંત, વૃક્ષની પાસેનું મકાન પણ ધરાશાયી થયું હતું. આ મકાનમાં એક મહિલા હતા જે ઇજાગ્રસ્ત થયા હતા. તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. મહિલાએ જણાવ્યું હતું કે, ચાર-પાંચ દિવસથી વડલો થોડો-થોડો નમતો હતો. અમે ફરિયાદો પણ કરી હતી, પણ કોઇ કાર્યવાહી કરવામાં આવી નહોતી.