વડોદરા:
વડોદરા શહેરના યાકુતપુરા વિસ્તારમાં આવેલી અજબડી મિલ અને તેની ફરતે સ્ક્રેપ સંચાલકો દ્વારા આડેધડ વાહનો પાર્ક કરવામાં આવતા હોય છે. લાંબા સમય સુધી વાહનોનો ખડકલો રહેતા ગંદકી સાથે ટ્રાફિકની સમસ્યા ઉદભવે છે.
સ્થાનિકોની ફરિયાદના પગલે વડોદરા મહાનગરપાલિકાની દબાણ શાખાની ટીમ આજે ત્રાટકી વાહનોના દબાણો દૂર કર્યા હતા.
વડોદરા શહેરના પાણીગેટ જીઇબી સબ ઇલેક્ટ્રીક સબ સ્ટેશન પાસે છેલ્લા કેટલાય વખતથી ગેરકાયદે કાચુ-પાકું ગેરેજ બંધાયું છે અને આ ગેરેજમાં બગડેલી ફોર વ્હિલર ગાડીઓ રીપેરીંગ અર્થે લાવવામાં આવતી હતી.
આ ઉપરાંત રોડ રસ્તા પર પણ ભંગાર હાલતમાં કેટલીક કાર કેટલાય વખતથી પડી રહી છે. આ અંગેની જાણ થતાં જ પાલિકા દબાણ શાખાની ટીમે વરસાદ બંધ થવાની રાહ જોઇ રહ્યું હતું.
વરસાદ બંધ થતાં જ પાલિકાની દબાણ શાખાની ટીમ બુલડોઝર સાથે પાણીગેટ જીઇબી સબ સ્ટેશન પાસે પહોંચી ગઇ હતી. જ્યાં કાચા-પાકા બનાવેલા ગેરેજ પર તત્કાળ બુલડોઝર ફેરવ્યું હતું.
આ ઉપરાંત ગૌરવ સોસાયટી પાછળ આવેલી અજબડી મિલ રોડ પર અનેક ભંગારની દુકાનો આવેલી છે. આ ભંગારની દુકાન પાસેના જાહેર રોડ પર રસ્તાની બંને બાજુએ કુલ મળીને 50થી વધુ મોટર કાર ભંગાર હાલતમાં પડી હતી.
પરિણામે રોડ રસ્તા સાંકડા થઈ જતા વાહનચાલકોને વાહન હંકારવામાં ભારે તકલીફ પડતી હતી. ઘણીવાર તકરારો પણ થતી હતી. જેથી પાલિકાની દબાણ શાખાએ આ તમામ ભંગાર હાલતમાં પડેલી મોટરકારો તત્કાળ ખસેડાવી દઈ રોડ રસ્તા ખુલ્લા કર્યા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે, થોડા સમય અગાઉ વડોદરા પાલિકાની દબાણ શાખાએ કારેલીબાગ સ્થિત બહુચરાજી સ્મશાન રોડ પર પણ આવી જ રીતે દબાણો દુર કર્યા હતા.