Ahmedabad, EL News
અમદાવાદ સિવિલની કિડની હોસ્પિટલમાં હોબાળો થયો હોવાના સમાચાર સામે આવ્યા છે. સિવિલની કિડની હોસ્પિટલમાં કર્મચારીઓ દ્વારા અલગ-અલગ મુદ્દે વિરોધ નોંધાવ્યો છે. કર્મચારીઓએ કામનું ભારણ, પગારમાં વિલંભ, યુનિફોર્મ માટે હેરાનગતિ સહિતના કેટલાક મુદ્દાઓને લઈ આજે આક્રોશ વ્યક્ત કર્યો છે.
કામનું ભારણ, પગાર સહિતના મુદ્દે વિરોધ
અમદાવાદની સિવિલ હોસ્પિટલ કોઈના કોઈ કારણોસર ચર્ચામાં રહેતી હોય છે. ત્યારે હવે સિવિલની કિડની હોસ્પિટલમાં લાંબા સમયથી કર્મચારીઓના પડતર પ્રશ્નો અને માગો ન ઉકેલાતા વિવાદ વકર્યો હતો. માહિતી મુજબ, કિડની હોસ્પિટલના કર્મચારીઓ પોતાની વિવિધ માગોને લઈ વિરોધ નોંધાવ્યો છે. હોસ્પિટલમાં કામનું ભારણ વધુ હોવાનો અને આઇકાર્ટ, યુનિફોર્મ સમયસર ન પડતા હેરાનગતિ હોવાનો કર્મચારીઓ દ્વારા આરોપ લગાવવામાં આવ્યો છે. આ સાથે કર્મચારીઓએ એમ પણ જણાવ્યું હતું કે, યોગ્ય રીતે કામ કરવા છતાં પણ તેમને સમયસર પગાર ચૂકવવામાં આવતો નથી.
આ પણ વાંચો…આ રીતે કાનની સફાઈ ખતરનાક છે, બહેરાશનું જોખમ છે….
છેલ્લા કેટલાક સમયથી પોતાની પડતર માંગોનો કોઈ ઉકેલ ના આવતા મંગળવારે સિવિલની કિડની હોસ્પિટલમાં કર્મચારીઓ દ્વારા વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો. બીજી તરફ, હોસ્પિટલના સત્તાધીશોએ કર્મચારીઓ દ્વારા કરવામાં આવેલા તમામ આરોપને ફગાવ્યા છે. જો કે કર્મચારીઓના વિરોધ વચ્ચે દર્દીઓને હાલાકી વેઠવાની પરિસ્થિતિનું નિર્માણ થતું જણાવાયું છે.