Vadodra, EL News
વડોદરામાં 8 કરોડથી વધુની GST ચોરી કૌભાંડમાં ક્રાઇમ બ્રાંચની ઇકો સેલે વધુ બે આરોપીની ધરપકડ કરી છે. માહિતી મુજબ, બંને આરોપી ભાવનગર જેલમાં હતા. આથી ભાવનગર જેલમાંથી બંને આરોપીઓનો કબજો મેળવવામાં આવ્યો છે. આ મામલે વધુ કાર્યવાહી કરવામાં આવી રહી છે.
મળતી માહિતી મુજબ, વડોદરામાં 6 ડમી પેઢીઓ ખોલીને GST પોર્ટલ પર નકલી દસ્તાવેજો અપલોડ કરીને સરકાર સાથે 8 કરોડની છેતરપિંડી કરવાનું કૌભાંડ ઝડપાયું હતું. માંજલપુર વિસ્તારમાં આવેલા સરસ્વતી કોમ્પલેક્સની એક દુકાનમાંથી એ.એસ. ટ્રેડ નામની ડમી પેઢી ઊભી કરવામાં મદદ કરનારા બે આરોપી યાસીન ઉર્ફે અંકલ ઇસ્માઇલભાઇ મગરબી (આરબ) અને અકરમ અબદુલ્લાભાઇ અત્યાન (આરબ) (બંને રહે. ભાવનગર)ની ધરપકડ કરવામાં આવી છે.
મુખ્ય સૂત્રધાર હાલ ફરાર
આ પણ વાંચો…વિટામિન C તમારી ત્વચા માટે વરદાન સાબિત થઈ શકે છે
આ બંને આરોપીઓએ ગુગલ પરથી લાઇટ બીલ સર્ચ કર્યુ હતું અને તેમાં એડિટીંગ કરી તેના આધારે જીએસટી પોર્ટલ પર ડમી પેઢી બનાવી હતી. ત્યાર બાદ નકલી પેઢીની ફાઇલ બનાવી આઈડી અને પાસવર્ડ મેળવ્યા હતા. પાલિતાણા ટાઉન પોલીસ સ્ટેશનના ગુનામાં બંને આરોપી ભાવનગર જેલમાં હતા. આથી ક્રાઇમ બ્રાંચની ઇકો સેલે ટ્રાન્સફર વોરન્ટના આધારે કબજો મેળવી પૂછપરછ હાથ ધરી છે. માહિતી મુજબ આ કેસમાં કુલ 6 ડમી પેઢી બનાવી કુલ 8 કરોડની છેતરપિંડી કરવામાં આવી હતી અને અત્યાર સુધીમાં કુલ 6 આરોપીની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે આ છેતરપિંડીનો મુખ્ય સૂત્રધાર નિખિલ રમેશ મિસ્ત્રી અને આસિફ યુસુફ છીપા ફરાર છે.