Ahemdabad, EL News
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આવતીકાલે ધો.12 સામાન્ય પ્રવાહની પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવશે. માર્ચ મહિનામાં લેવાયેલી ધો.12 સામાન્ય પ્રવાહની પરીક્ષાનું પરિણામ આવતીકાલે સવારે 8 વાગ્યે શિક્ષણ બોર્ડને વેબસાઈટ પર જાહેર કરાશે. આ સિવાય વિદ્યાર્થીઓ મોબાઇલ પર વોટ્સએપ નંબર થકી પણ પરિણામ જાણી શકશે.
વોટ્સએપ નંબરથી પણ જાણી શકાશે રિઝલ્ટ
ગુજરાત બોર્ડ દ્વારા આવતીકાલે એટલે કે બુધવારે સવારે 8 વાગ્યે ધો. 12 સામાન્ય પ્રવાહની પરીક્ષાનું પરિણામ જાહેર કરાશે. વિદ્યાર્થીઓ ગુજરાત શિક્ષણ બોર્ડની આધિકારીક વેબસાઇટ www.gseb.org પર વિઝિટ કરી પરિણામની માહિતી મેળવી શકશે. ઉપરાંત, વિદ્યાર્થીઓ પોતાના મોબાઇલ પર વોટ્સએપ નંબર 6357300971 થકી પણ પોતાનું રિઝલ્ટ જાણી શકશે. આ માટે વિદ્યાર્થીઓએ પોતાનો સીટ નંબર મેસેજ કરવાનો રહેશે. જણાવી દઈએ કે, છેલ્લા ઘણા સમયથી ધો. 12 સામાન્ય પ્રવાહના પરિણામ માટે અલગ-અલગ તારીખો સામે આવી રહી હતી. ત્યારે હવે બોર્ડ દ્વારા અંતિમ નિર્ણય લઈ જાહેરાત કરવામાં આવી છે.
રાજ્યભરમાંથી અંદાજે 4.50 લાખ જેટલા વિદ્યાર્થીઓએ આપી હતી પરીક્ષા
આ પણ વાંચો… ગાંધીનગર: ભારે પવન ફૂંકાતા વિધાનસભાના ગુંબજનું પતરું ઉડ્યું,
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડની ધો. 10 અને 12ની પરીક્ષા માર્ચ મહિનામાં યોજાઈ હતી, જેમાં રાજ્યભરમાંથી અંદાજે 4.50 લાખ જેટલા વિદ્યાર્થીઓએ ધો. 12 સામાન્ય પ્રવાહની પરીક્ષા આપી હતી. ગત વર્ષ 2022માં ધો.12 સામાન્ય પ્રવાહનું પરિણામ રેકોર્ડબ્રેક 86.91 ટકા રહ્યું હતું. જ્યારે 4.22 લાખ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. ત્યારે આ વર્ષે ધો. 12 સામાન્ય પ્રવાહનું પરિણામ વધશે કે ઘટશે તેને લઈને મુંઝવણ છે. અગાઉ ધોરણ 10 અને ધો. 12 સાયન્સના પરિણામ જાહેર થયા હતા. ગત વર્ષ 2022માં અમદાવાદ શહેરનું ધો. 12 સામાન્ય પ્રવાહનું પરિણામ 79.87 અને ગ્રામ્યનું 81.92% આવ્યું હતું. જ્યારે સુરત જિલ્લાનું 87.52 ટકા, રાજકોટ જિલ્લાનું 88.72% અને વડોદરા જિલ્લાનું 76.49 ટકા પરિણામ રહ્યું હતું.