Surat, EL News
સુરતના ભેસાણ ગામ પાસે એક ટવેરા અને બાઇક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બાઇકચાલક યુવકનું મોત નીપજ્યું છે. જ્યારે અન્ય બે યુવકોને ગંભીર ઇજા થતા તેમને સારવાર અર્થે સુરત સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ મામલે પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ, મૂળ રાજસ્થાનના 35 વર્ષીય રમેશ મિસ્ત્રી પરિવાર સાથે છેલ્લા 27 વર્ષથી સુરતમાં પાલનપોર જકતનાકા ખાતે રહેતા હતા. રમેશભાઈ મિસ્ત્રી કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવતા હતા. બુધવાર સવારે કામ અર્થે રમેશભાઈ મિત્રો સાથે બાઇક પર વસવા ગામ જવા નીકળ્યા હતા. દરમિયાન ભેસાણ ગામ નજીક પૂરપાટ ઝડપે આવતી એક ટવેરાએ રમેશભાઈની બાઇકને જોરદાર ટક્કર મારી હતી. આથી રમેશભાઈ અને તેમના મિત્રો હવામાં ફંગોળાઈ નીચે પટકાયા હતા.
આ પણ વાંચો…અમદાવાદ શહેરમાં આવતીકાલથી હોટ, ઓરેન્જ હીટ એલર્ટ
બે સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવી
આ અકસ્માતમાં રમેશભાઈને માથાના ભાગે ગંભીર ઇજા થતા તેમનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે તેમના બે મિત્રોને ઇજા થતા સુરત સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ મામલે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. જ્યારે પરિવારના મોભીનું મોત થતા પરિવારજનો પર આભ ફાટી પડ્યું છે. જ્યારે બે સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવી છે.
રોજબરોજના સમાચારો તથા જીવનસ્પર્શી વિષયો માટે એકમાત્ર વિશ્વસનીય પ્લેટફોર્મ હવે પ્લેસ્ટોર ઉપર પણ ઉપલબ્ધ છે આજે જ ડાઉનલોડ કરો Elnews