Vadodara, EL News
વડોદરાથી ચોંકાવનારા સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. બરોડા ડેરીના દૂધના 3 કેન્દ્રો પર દૂધ ભરેલા કેરેટ્સની ચોરીની ઘટના બની છે. આ ત્રણેય કેન્દ્ર પર એક જ શખ્સે દૂધના કેરેટ્સની ચોરી કરી હોવાનું ખુલ્યું છે. ચોર રૂ. 16 હજારની કિંમતની અમૂલ ગોલ્ડ, શક્તિ દૂધની થેલીઓ ચોરી કરતા સીસીટીવીમાં કેદ થયો છે. આ મામલે ગોત્રી પોલીસે આરોપીની અટકાયત કરીને વધુ તપાસ હાથ ધરી છે.
4 કેરેટ અમૂલ ગોલ્ડના અને 4 કેરેટ અમૂલ શક્તિના ચોરાયા
વડોદરાના ગોત્રી પોલીસ સ્ટેશનમાં ભાયલી રોડ વિસ્તારમાં રહેતા મુકેશ મકવાણાએ ફરિયાદ નોંધાવી છે કે, તેઓ સણા-ભાયલી રોડ પર શ્રીજી ફરસાણ નામની દુકાન અને બરોડા ડેરીનું કેન્દ્ર ધરાવે છે. તેમના કેન્દ્ર પર રોજ સવારે 6 વાગ્યે બરોડા ડેરીથી દૂધના કેરેટ્સ આવતા હોય છે, જેને તેઓ સવારે 8 વાગ્યે દુકાને આવી ચેક કરે છે. દરમિયાન 28 જૂનના રોજ સવારે ચેક કરતા 8 જેટલા દૂધના કેરેટ્સ ઓછા હતા, જેમાં 4 કેરેટ અમૂલ ગોલ્ડના અને 4 કેરેટ અમૂલ શક્તિના ઓછા હતા. આથી તેમણે ડેરીમાં તપાસ કરતા પૂરેપૂરા કેરેટ્સ મુકવામાં આવ્યા હોવાનું જણાયું હતું. ત્યાર બાદ તેમણે કેન્દ્ર પરના સીસીટીવી ફૂટેજ ચેક કર્યા હતા, જેમાં એક શખ્સ દૂધના કેરેટ્સ ચોરી કરતા નજરે પડ્યો હતો.
ત્રણેય કેન્દ્રો પર એક જ શખ્સે ચોરી કરી
આ પણ વાંચો… શું ટુવાલ દ્વારા ફેલાઈ શકે છે દાદ? જાણો વરસાદની ઋતુમાં
ઉપરાંત, પાદરા રોડ પર આવેલા બરોડા ડેરીના કેન્દ્ર પરથી અમૂલ ગોલ્ડના 4 કેરેટ (કિંમત રૂ. 2892) અને અમૂલ શક્તિના 2 કેરેટ (કિંમત રૂ.1356)ની ચોરી થઈ હતી. આ સિવાય અલકાપુરી સ્થિત કોંકણ બિલ્ડિંગ પાસેના બરોડા ડેરી કેન્દ્ર પરથી 28 જૂનના રોજ અમૂલ ગોલ્ડ દૂધની 96 થેલી (કિંમત રૂ.3072) અને અમૂલ શક્તિ દૂધની 24 થેલી (કિંમત રૂ. 696)ની ચોરી થઈ હતી. આમ કૂલ રૂ. 3798ના દૂધની ચોરી થઈ હતી. આ સમગ્ર ઘટનાઓમાં સીસીટીવી ફૂટેજ ચેક કરતા ત્રણેય કેન્દ્રો પર એક જ શખ્સે ચોરી કરી હોવાનું જણાવ્યું હતું. ગોત્રી પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ કરી આરોપી શખ્સ મોહંમદ કેફ દરબારની ધરપકડ કરી હતી. પૂરછપરછમાં આરોપીએ જણાવ્યું કે, રૂપિયાની જરૂરિયાત હોવાથી તે દૂધની થેલીઓ ચોરી કરીને વેચી દેતો હતો. આ મામલે પોલીસે ચોરી સહિતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.