Gandhinagar, EL News:
છેલ્લા નવ વર્ષમાં 13 મોટી પરીક્ષાઓ રદ કરવી પડી છે. બજેટ સત્ર પહેલા લીક થયેલી જુનિયર ક્લાર્કની પરીક્ષાના મુદ્દે સરકાર નવો કાયદો પસાર કરી શકે છે. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પેપર લીક રોકવા માટે આગામી બજેટ સત્રમાં કાયદો પસાર કરવાને લઈને મોટો નિર્ણય લઈ શકે છે. કેમ કે, પ્રાપ્ત થતી વિગતો અનુસાર પેપર લીક સામે રાજ્ય સરકારે કાયદો બનાવવા સર્વે શરું કરી દીધો છે. જે માટે ટાસ્ક ફોર્સને કામગિરી પણ સોંપવામાં આવી હોવાનું સૂત્રો તરફથી જાણવા મળી રહ્યું છે.
આગામી બજેટ સત્રમાં વિપક્ષ હોબાળો પણ કરશે
29 જાન્યુઆરીએ જુનિયર ક્લાર્કની પરીક્ષાનું પેપર લીક થયા બાદ ગુજરાત સરકાર સામે પરીક્ષા પદ્ધતિને લઈને અનેક સવાલો ઉઠ્યા છે. કેમ કે, ગુજરાતમાં પેપર ફૂટવું એ જાણે નવાઈ ના હોય તેમ થઈ ગયું છે. જેને લઈને આગામી બજેટ સત્રમાં વિપક્ષ હોબાળો પણ કરશે. ચૂંટણીમાં પણ વિપક્ષનો આ મુખ્ય મુદ્દો રહ્યો હતો.
આ પણ વાંચો…રોડ પર ઊભેલી કારનાં કાચ તોડી ૨૦ તોલા સોનાની તસ્કરી થઈ
વૈધાનિક અને સંસદીય બાબતો, ગૃહ, કાયદા, સામાન્ય વહીવટી વિભાગના નિષ્ણાતોની ટીમને સરકારી, અર્ધ-સરકારી સંસ્થાઓમાં ભરતી માટેના પ્રશ્નપત્રોમાં ગુપ્તતા જાળવવા અને કડક દંડનીય કાર્યવાહી કરવા માટે નવો કાયદો બનાવવાની કામગીરી સોંપવામાં આવી છે. તેનું ઉલ્લંઘન કરવા બદલ સરકાર દ્વારા વિધાનસભા સત્રમાં બિલ રજૂ કરવામાં આવે તેવી શક્યતા છે.
મુસદ્દો તૈયાર કરવામાં આવશે, આજીવન કેદની સજાની જોગવાઈ હોઈ શકે છે
ભુપેન્દ્ર પટેલ સરકાર આ મામલે કડક કાર્યવાહી કરવા માંગે છે કારણ કે પેપર કૌભાંડને લઈને સરકાર સામે આંગળીઓ ચિંધાઈ રહી છે. નવા કાયદામાં ભરતી પ્રક્રિયામાં સામેલ તમામ સરકારી અને બિનસરકારી સભ્યોની બેદરકારી બદલ કડક સજાની જોગવાઈ કરાશે. આ પ્રકારના કેસમાં એક મુસદ્દો તૈયાર કરવામાં આવશે. જેમાં આજીવન કેદની જોગવાઈઓ સાથે આરોપીની ભૌતિક સંપત્તિ જપ્ત કરવા જેવી કડક જોગવાઈઓ સાથે નવો કાયદો બની શકે છે.