Ahmedabad, EL News
છેલ્લા ઘણા સમયથી ચર્ચાસ્પદ બનેલો હાટકેશ્વર બ્રિજ તોડી પાડવાનો નિર્ણય આગામી 2 દિવસમાં લેવાય તેવી શક્યતા છે. મ્યુનિ. દ્વારા નિમાયેલી ઉચ્ચ સત્તાધારી સમિતિએ રિપોર્ટ સોંપ્યો હતો, જેમાં કહ્યું છે કે, બ્રિજમાં જે જે જગ્યાએ ગાબડા પડ્યા છે ત્યાં તોડવા સિવાય અન્ય કોઈ વિકલ્પ જ નથી. આ કમિટીએ બ્રિજના તમામ સેમ્પલ લીધા હતા. જોકે આનો સંપૂર્ણ રિપોર્ટ આવતાં હજુ 10 દિવસ લાગી શકે છે.
હાટકેશ્વર બ્રિજ તોડવા સિવાય બીજો વિકલ્પ નથી
મીડિયા અહેવાલ મુજબ, કમિટીએ તેના રિવ્યૂના આધારે રિપોર્ટ આપ્યો હતો કે, બ્રિજ રિપેર થઈ શકે તેમ નથી. તેને તોડવા સિવાય બીજો વિકલ્પ નથી. જણાવી દઈએ કે, હાટકેશ્વર બ્રિજમાં 2021થી ગાબડા પડવાનો સિલસિલો શરૂ થયો હતો. અગાઉ 3 વખત તેને રિપેરિંગ કર્યા થતાં પણ તેમાં ગાબડા પડતા તેના પર અવરજવર બંધ કરાઈ હતી. આ મામલે વિવાદ વધતા મ્યુનિ.એ અમદાવાદ, સુરત અને મુંબઈની 4 કંપની તેમ જ ડિઝાઈન ચકાસણી માટે જાણીતી નિષ્ણાત એજન્સીઓ પાસેથી રિપોર્ટ મેળવ્યા હતા.
આ પણ વાંચો…રેલવે ટ્રેક પર કેમ પાથરવામાં આવે છે પથ્થર?
ડિઝાઈનમાં કોઈપણ ખામી ન હોવાનું બહાર આવ્યું
અહેવાલ મુજબ, દરેક રિપોર્ટમાં ડિઝાઈનમાં કોઈ ખામી ન હોવાનું અને હલકી ગુણવત્તાના મટિરિયલનો ઉપયોગ થયો હોવાને કારણે ગાબડા પડ્યા હોવાનું સામે આવ્યું હતું. ત્યારે હવે આગામી બે દિવસમાં મ્યુનિ. સત્તાવાર બ્રિજ તોડવાની જાહેરાત કરી શકે છે. જણાવી દઈએ કે, બ્રિજની ગુણવત્તા તપાસવા પણ લાખોનું આંધણ થઈ ગયું છે. કરોડો રૂપિયાના ખર્ચે બનેલો બ્રિજને હવે તોડવાની કામગીરી હાથ ધરાઈ શકે છે.