Surat, EL News
રાજ્યમાં હાલ લગ્નસરાની સીઝન ચાલુ છે. પરંતુ, બિપોરજોય વાવાઝોડાએ તેના પર પાણી ફેરવી દીધું છે. બિપરજોય વાવાઝોડાના કારણે સુરતમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો છે. ત્યારે એક લગ્ન પ્રસંગ દરમિયાન અચાનક વરસાદ થતા આઇસ્ક્રીમનું કાઉન્ટર ચલાવતા યુવકનું કરંટ લાગતા મોત નીપજ્યું છે. યુવકના અચાનક મોતથી બે માસૂમ બાળકોએ પિતાની છત્રછાયા ગુમાવી છે.
મળતી માહિતી મુજબ, સુરતના ખટોદરા પોલીસ મથકની હદ વિસ્તારમાં આવેલા D B પટેલ પાર્ટી પ્લોટમાં એક લગ્ન પ્રસંગનું આયોજન કરાયું હતું. આ લગ્ન પ્રસંગમાં મૂળ રાજસ્થાનનો 35 વર્ષીય યુવક આઇસ્ક્રીમનું કાઉન્ટર ચલાવતો હતો. પ્રસંગ દરમિયાન અચાનક વરસાદ થયો હતો, જેથી વરસાદી પાણીથી મંડપ ભીનો થયો હતો. દરમિયાન પાણીના કારણે મંડપના લોખંડના પાઇપમાં કરંટ ઉતરી આવતા નજીક ઊભેલા યુવકને કરંટ લાગ્યો હતો. કરંટ લાગતા યુવક નીચે ઢળી પડ્યો હતો.
હોસ્પિટલમાં તબીબે મૃત જાહેર કર્યો
આથી ત્યાં હાજર લોકો બેભાન યુવકને સારવાર અર્થે નજીકની હોસ્પિટલ લઈ ગયા હતા. પરંતુ હોસ્પિટલમાં હાજર તબીબે યુવકને મૃત જાહેર કર્યો હતો. યુવકના અચાનક મોતથી બે બાળકોએ પિતાની છત્રછાયા ગુમાવી છે. આ બનાવ અંગે જાણ થતા ખાટોદરા પોલીસનો કાફલો હોસ્પિટલ પહોંચ્યો હતો અને અક્સમાતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ તપાસ મુજબ, મૂળ રાજસ્થાનનો યુવક છેલ્લા 10 વર્ષથી સુરતમાં આઇસ્ક્રીમનો વ્યવસાય કરતો હતો.