Ahemdabad, EL News
ગુજરાતમાં સંભવિત ‘બિપરજોય’ વાવાઝોડા સામે વહીવટી તંત્ર દ્વારા કરાયેલી કામગીરીની વિગતો મેળવવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગુરુવારે સવારે સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતે પહોંચ્યા હતા અને ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી. આ બેઠકમાં મુખ્યમંત્રીએ સંભવિત વાવાઝોડાની પરિસ્થિતિ સામે વહીવટી તંત્ર દ્વારા કરાયેલા આયોજનની વિગતો સંબંધિત અધિકારીઓ પાસેથી મેળવી હતી અને જરૂરી સૂચનાઓ પણ આપી હતી.
રાત્રે 9થી 10 કલાકની આસપાસ દરિયાકાંઠે ટકરાશે બિપરજોય
રાહત કમિશનર આલોક પાંડેએ જણાવ્યું હતું કે, છેલ્લા કેટલાક કલાકોમાં બિપરજોય વાવાઝોડાની ગતિમાં ઘટાડો નોંધાયો છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ગતિમાં ઘટાડો આવ્યો હોવાથી વાવાઝોડું હવે ગુરૂવારે રાત્રે 9થી 10 કલાકની આસપાસ દરિયાકાંઠે ટકરાઈ શકે છે અને પવનની ગતિ 115થી 125 કિમી પ્રતિ કલાક રહેવાની સંભાવના છે. જો કે, વાવાઝોડાની માત્ર ગતિ ઘટી છે. પરંતુ તેનું સંકટ હજુ પણ યથાવત છે. વહીવટી તંત્ર દ્વારા અગમચેતીના ભાગરૂપે સંપૂર્ણ તૈયારીઓ કરી તકેદારી રાખવામાં આવી રહી છે.
8 જિલ્લાના કુલ 94 હજારથી વધુ નાગરિકોનું સુરક્ષિત સ્થળે સ્થળાંતર
રાહત કમિશનરે વધુમાં જણાવ્યું કે, અત્યાર સુધીમાં રાજ્યના 8 જિલ્લામાંથી કુલ 94 હજારથી વધુ નાગરિકોનું સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યું છે. જૂનાગઢ જિલ્લામાં 4864, કચ્છમાં 46,823 જામનગરમાં 9942, પોરબંદરમાં 4379, દેવભૂમિ દ્વારકામાં 140,749, ગીર સોમનાથમાં 1605, મોરબીમાં 9243 અને રાજકોટમાં 6822 મળી કુલ 94,427 લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. તેમણે ઉમેર્યું કે, જનજીવન ઉપરાંત, વન્યજીવોની સુરક્ષા-સલામતીને ધ્યાને લઇ વન વિભાગ દ્વારા 180 જેટલી ટીમો તૈયાર કરાઈ છે. આ ઉપરાંત રહેણાંક વિસ્તારોમાં પણ ઢોર-ઢાંખર ખુલ્લા રાખવા માટે સૂચના અપાઈ છે.
આગામી બે દિવસ દરમિયાન ભારેથી અતિભારે વરસાદની આગાહી
આ પણ વાંચો… વાવાઝોડાના લઈને નેવીના એરક્રાફ્ટ સ્ટેન્ડબાય કરવામાં આવ્યા,
હવામાન વિભાગ દ્વારા આગામી બે દિવસ દરમિયાન ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે કેટલાક જિલ્લાઓમાં વાવાઝોડાની અસર જોવા મળી છે. ભારે પવન સાથે વરસાદ થતા કેટલાક વિસ્તારમાં વિશાળ વૃક્ષો ધરાશાયી થતા આ વૃક્ષોને ખસેડીને રસ્તાઓ પુનઃ કાર્યરત કરવા માર્ગ અને મકાન વિભાગની ટીમોને જરૂરી મશીનરી અને ડીઝલ જનરેટર સાથે તૈયાર કરવામાં આવી છે. માહિતી મુજબ, સમીક્ષા બેઠકમાં મુખ્ય સચિવ, મુખ્ય અગ્ર સચિવ, મહેસૂલ અને આરોગ્ય વિભાગના અધિક મુખ્ય સચિવો સહિત વરિષ્ઠ અગ્ર સચિવો અને અધિકારીઓએ પોતાના વિભાગ દ્વારા અત્યાર સુધીમાં હાથ ધરાયેલી કામગીરીની વિગતો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને આપી હતી.