Surat, EL News
ગુનાઓ આચરીને વર્ષોથી પોલીસની પકડથી નાસતા ફરતા એવા વોન્ટેડ આરોપીઓને ઝડપી પાડવા સુરત પોલીસ દ્વારા સ્પેશિયલ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. આ ઝુંબેશ હેઠળ શહેરના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગંભીર પ્રકારના ગુનાઓમાં નાસતા ફરતા 16 જેટલા આરોપીઓની એક યાદી બનાવવામાં આવી છે. આ આરોપીઓને પકડી પાડવાની કાર્યવાહી દરમિયાન સુરત પોલીસે હત્યાના ગુનામાં નાસતા ફરતા આરોપીને 25 વર્ષ બાદ ઝડપી પાડ્યો છે. માહિતી મુજબ, આ વોન્ટેડ આરોપી પર 25 હજારનું ઇનામ પણ હતું.
આરોપીએ મિત્રો સાથે મળી યુવકની હત્યા કરી હતી
આ પણ વાંચો… આંખોની બળતરાથી છુટકારો મેળવી શકતા નથી?
સુરત પોલીસને બાતમી મળી હતી કે, હત્યાના ગુનામાં વર્ષોથી નાસતો ફરતો આરોપી સુરેન્દ્ર કોન્ડા જે મૂળ ઓરિસ્સાનો વતની છે તે પાંડેસરા વિસ્તારમાં બમરોલી રોડની આશાપુરી સોસાયટીમાં રહે છે. આ બાતમીના આધારે પોલીસે કાર્યવાહી કરી આરોપીની ધરપકડ કરી હતી. પૂછપરછમાં જાણવા મળ્યું કે, સાલ 1999માં ઉમરવાડા વિસ્તારમાં આરોપી સુરેન્દ્ર કોન્ડા અને તેના મિત્ર અભિરામ થુરાય ઉડીયા તથા રવિરાજ પંપુરાય ઉડીયા અને નરી સ્વાઇનો નિરંજન બહેરા સાથે ઝઘડો થયો હતો. આ ઝઘડામાં નિરંજન બહેરાને ચપ્પુના ઘા મારતા નિરંજનનું મોત નીપજ્યું હતું. હત્યા કરી આરોપી સુરેન્દ્ર પોલીસની પકડથી નાસતો ફરતો હતો. જો કે, ગુના કર્યાના 25 વર્ષ બાદ આરોપીની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે આ મામલે આગળની કાયદાકીય કાર્યવાહી હાથ ધરી છે.