Surat EL News
સુરતના ડિંડોલીમાં લગ્નના એક મહિનામાં જ પરિણીતાએ ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો હોવાની ઘટના પોલીસ ચોપડે નોંધાઈ છે. આરોપ છે કે, લગ્ન બાદથી પરિણીતાનો પતિ કોઈ કામ-ધંધો કરતો ન હતો અને પરિણીતાને પિયરેથી રૂ. 4 લાખ લાવવા દબાણ કરતો હતો. સાથે જ પતિના તેની મામી સાથે અનૈતિક સંબંધો હોવાનો પણ આરોપ લગાવવામાં આવ્યો છે. આ મામલે પોલીસે પતિ સહિત સાસરિયાં સામે દુષ્પ્રેરણાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
લગ્ન બાદથી પતિ કોઈ કામ-ધંધો કરતો નહોતો
મળતી માહિતી મુજબ, ડિંડોલી ખાતે રહેતા મૂળ મહારાષ્ટ્રના વતની સાગર ઢીવરે હીરાના કારખાનામાં મજૂરીકામ કરીને પરિવારનું ગુજરાન ચલાવતો હતો. એક મહિના પહેલા જ સાગરના 20 વર્ષીય અશ્વિની સાથે લગ્ન થયા હતા. પરંતુ, સોમવારે અશ્વિનીએ ગળે ફાંસો ખાઈને જીવન ટુંકાવ્યું હતું. આરોપ છે કે, મૃતક અશ્વિનીના લગ્ન બાદથી પતિ સાગર કોઈ કામ-ધંધો કરતો નહોતો અને ઘરે જ રહેતો હતો. ઉપરાંત, સાસરિયા પણ અશ્વિનીને પિયરેથી દહેજ પેટે રૂ. 4 લાખ લાવવા માટે દબાણ કરતા હતા અને માનસિક ત્રાસ આપતા હતા.
પતિના તેની મામી સાથે અનૈતિક સંબંધ હોવાનો આરોપ
આ પણ વાંચો… અમદાવાદ -આવતીકાલે U 20 મેયરલ સમિટ- વિશ્વના 40 દેશોના 60 શહેરોના 130 પ્રતિનિધિઓ ભાગ લેશે
ફરિયાદમાં આરોપ લગાવવામાં આવ્યો છે કે, આત્મહત્યા કરતા પહેલા અશ્વિનીએ તેની માતાને ફોન કરી જણાવ્યું હતું કે, પતિ સાગરે લગ્ન કર્યા બાદથી પત્ની સાથે શારિરીક સંબંધ બાંધ્યો નહોતો અને તેના તેની મામી સાથે અનૈતિક સંબંધો હતા. આથી સાગર અશ્વિનીથી દૂર રહેતો હતો. આ મામલે ડિંડોલી પોલીસે પતિ સહિત ચાર વિરુદ્ધ દુષ્પ્રેરણાનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.