Surat, EL News
સુરતમાં આજે કેટલાક વિસ્તારમાં હળવોથી સામાન્ય વરસાદ પડ્યો છે. આ સાથે લાંબા સમય પછી શહેરમાં વરસાદે દસ્તક આપી છે. ઉધના, રિંગ રોડ, સહારા દરવાજા, ખટોદરા, ઉધના દરવાજા, મજુરા વિસ્તારમાં આજે વરસાદ પડ્યો છે, જેના કારણે વાતાવરણમાં ભેજનું પ્રમાણ ઘટી ગયું છે. વરસાદ થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે.
દ. ગુજરાત, સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી
દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રમાં સામાન્યથી મધ્યમ વરસાદની અપેક્ષા છે. સુરત, નવસારી, વલસાડ, ડાંગ, તાપી, છોટા ઉદેપુર, નર્મદામાં વરસાદ પડવાની સંભાવના છે. ઉપરાંત, રાજકોટ, અમરેલી, ભાવનગર, જૂનાગઢમાં પણ વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, છેલ્લા ઘણા દિવસથી રાજ્યમાં મેઘરાજાએ વિરામ લીધો છે. કેટલાક જિલ્લાઓમાં વાદળછાયું વાતાવરણ અને બફારાના કારણે લોકો પરેશાન થયા છે. ત્યારે હવે રાજ્યમાં ફરી વરસાદ પડે તેની નાગરિકો દ્વારા રાહ જોવામાં આવી રહી છે.
આ પણ વાંચો…સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કેમ્પસમાંથી વિદેશી દારુની બોટલો મળી
અમદાવાદ, ગાંધીનગરમાં સારો વરસાદ પડવાની આગાહી
હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલે 19, 20 અને 21 ઓગસ્ટ સુધી છૂટાછવાયા વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. જ્યારે 23મી ઓગસ્ટથી વરસાદની નવી ઇનિંગ શરૂ થવાની સંભાવના છે. આગાહી મુજબ, 23મી ઓગસ્ટ બાદ ફરી વરસાદ શરૂ થઈ શકે છે. 24થી 26 ઓગસ્ટ દરમિયાન વરસાદ પડી શકે છે. ઉત્તર-પૂર્વ ગુજરાતમાં સારા વરસાદની શક્યતા છે. જ્યારે આવતીકાલથી રાજ્યના વાતાવરણમાં પલટો જોવા મળી શકે છે. સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, અમદાવાદ અને ગાંધીનગરમાં સારો વરસાદ પડી શકે છે.