Suart, EL News
સુરતના પલસાણા નેશનલ હાઇ વે પર સર્જાયેલા એક ગોઝારા અકસ્માતનો હચમચાવે એવો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. આ વીડિયોમાં જોઈ શકાય છે કે એક ટેન્કરચાલકે કારને અડફેટે લીધી હતી અને પછી લગભગ 500 મીટર સુધી ઢસડી હતી. માહિતી મુજબ, ટેન્કરમાં બ્રેક ફેલ થતા આ અકસ્માત થયો હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. જો કે, આ મામલે પોલીસે તપાસ આદરી હતી અને ટેન્કરચાલક અને કારચાલક વચ્ચે સમાધાન થયું હોવાનું જણાવ્યું છે.
એક બાઇકચાલક પણ અડફેટે આવ્યો
મળતી માહિતી મુજબ, હાલ સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જે સુરતના પલસાણા નેશનલ હાઇ વે પર સર્જાયેલા એક અકસ્માતનો હોવાનું જણાવાઈ રહ્યું છે. આ વીડિયો એક મિનિટનો છે. વીડિયોમાં દેખાય છે કે ટેન્કરચાલક એક કારને ઢસડીને લઈ જઈ રહ્યો છે. દરમિયાન તે એક બાઇકચાલકને પણ અડફેટે લે છે. હૈયું કંપાવે એવો આ વીડિયો સામે આવતા સુરત જિલ્લા પોલીસે તપાસ હાથ ધરી હતી. પોલીસ તપાસ હેઠળ ટેન્કરચાલક અને કારચાલકની પૂછપરછ કરવામાં આવી હતી, જેમાં જાણવા મળ્યું કે, ગત રવિવારની સાંજે કારચાલક મુંબઈ-અમદાવાદ નેશનલ હાઇવે નંબર 48 પરથી પસાર થઈ રહ્યા હતા ત્યારે પલસાણા તરફથી કડોદરા તરફ સર્વિસ રોડ પર જતા એક ટેન્કરચાલકે તેમની કારને અડફેટે લીધી હતી.
આ પણ વાંચો…રેસિપી / ઘરે જ બનાવો ગોળના ગુલાબ જાંબુ
બંને વચ્ચે સમાધાન થતા પોલીસ ફરિયાદ ન થઈ
જો કે, ટેન્કરની સ્પીડ ઓછી હોવાથી ટેન્કરની આગળના ભાગે કાર ચોંટી ગઈ હતી. અકસ્માતમાં ટેન્કરચાલકે બ્રેક મારવાની કોશિશ કરી હતી, પરંતુ બ્રેક ફેલ થતા લાગી ન હતી અને કાર અંદાજે 500 મીટર સુધી ઢસડાઈ હતી. દરમિયાન એક બાઇકસવાર પણ અડફેટે આવતા પટકાયો હતો. જો કે, તેનો આબાદ બચાવ થયો હતો. ટેન્કરચાલકે અંતે ડિવાઇડર સાથે ટેન્કર દબાવી દેતા થોભી હતી. સદનસીબે આ ગમખ્વાર અકસ્માતમાં કારચાલકને નહિંવત ઇજા થઈ હતી. કારચાલકને જે પણ નુકસાન થયું તેના રૂપિયા આપવાની ટેન્કરચાલકે બાયંધરી આપતા બંને વચ્ચે સમાધાન થયું હતું. આથી આ મામલે કોઈ પોલીસ ફરિયાદ થઈ નહોતી. પલસાણા પોલીસે કાયદાકીય પ્રક્રિયા કરી બંને જવા દીધા હતા.