Surat, EL News
સુરતની ઉતરાણ પોલીસે એક મોટી કાર્યવાહી કરી છે. નકલી શેમ્પૂ બનાવી એક જાણીતા બ્રાન્ડના નામનો ઉપયોગ કરી શહેરના ઉતરાણ વિસ્તારમાં વેચાણ કરતા ત્રણ ઇસમોની પોલીસે ધરપકડ કરી છે. આ સાથે પોલીસે આરોપીઓ પાસેથી કુલ રૂ. 7 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે. માહિતી મુજબ, આરોપીઓએ અમરોલીમાં નકલી શેમ્પૂ બનાવીને ઉતરાણના વી.આઈ.પી સર્કલ પાસે આવેલા શ્રી નાથજી આઇકોનમાં આવેલી એક દુકાનમાં વહેંચાણ શરૂ કર્યું હતુ. આ મામલે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
અમરોલી ખાતે એક કારખાનામાં નકલી શેમ્પૂ બનાવતા હતા
માહિતી મુજબ, સુરતના ઉતરાણ વિસ્તારમાં જાણીતી બ્રાન્ડ હેડ એન્ડ શોલ્ડર્સ કંપનીના નામનો ઉપયોગ કરી કેટલાક લોકો નકલી શેમ્પૂનું વેચાણ કરી રહ્યા હોવાની માહિતી કંપનીને થતા પોલીસને જાણ કરી હતી. આથી ઉતરાણ પોલીસે સુરત ક્રાઇમ બ્રાન્ચ સાથે મળી સઘન કાર્યવાહી કરી હતી અને કેટલાક સ્થળે દરોડા પાડ્યા હતા. દરમિયાન બાતમીના આધારે અમરોલી ખાતે આવેલી વેદાંત ઇન્ડસ્ટ્રીઝના એક કારખાના પર દરોડા પાડવામાં આવ્યા હતા. ત્યાંથી પોલીસે નકલી શેમ્પૂના જથ્થા સાથે આરોપી હાર્દિક ભરોળિયા, જેમિલ ભરોળિયા અને નિકુંજ નામના ત્રણ ઈસમોની ધરપકડ કરી હતી અને તેમની સાથે શેમ્પૂની ખાલી બોટલો, શેમ્પુ ભરેલા બેરલ તેમ જ જાણીતી બ્રાન્ડના સ્ટીકર વગેરેનો મુદ્દામાલ મળી કુલ 7 લાખ 35 હજારની મત્તા કબ્જે કર્યો હતો.
આ પણ વાંચો…શું દેશમાં ફરી આવશે કોરોનાની લહેર?
વધુ પૈસા કમાવવાની લાલચે કારસ્તાન કર્યું
પોલીસ તપાસમાં સામે આવ્યું કે આરોપી વધુ પૈસા કમાવવાની લાલચમાં જાણીતા બ્રાન્ડ હેડ એન્ડ શોલ્ડર્સના નામનો ઉપયોગ કરી તેનું સ્ટીકર નકલી શેમ્પૂની બોટલ પર લગાવી ઓછા ભાવે ડુપ્લીકેટ શેમ્પૂનું વહેંચાણ કરતા હતા. આરોપી અમરોલીમાં નકલી શેમ્પૂ બનાવીને ઉતરાણમાં વેચતા હતા. હાલ આ મામલે પોલીસ આરોપીઓની ધરપકડ કરી તેઓ ડુપ્લીકેટ શેમ્પૂ બનાવવા માટે માલ ક્યાંથી લાવતા હતા અને કોને સપ્લાય કરતા હતા એ દિશામાં વધુ તપાસ આદરી છે.