Surat , EL News
સુરતના રાંદેરમાં એક સોફ્ટવેર ડેવલોપરનું 8 લોકોએ અપહરણ કર્યું હતું અને તેની પાસેથી રૂ. 25 લાખ આંગડિયું કરાવી, બળજબરી રૂ. 1.75 કરોડનો ચેક લખાવી તેના પર સહી કરાવી હતી. સાથે જ જબરજસ્તી લખાણ લઈ સોફ્ટવેર ડેવલોપરને સ્ટેશન પર મૂકીને ફરાર થયા હતા. આ મામલે સાયબર ક્રાઇમે 3 લોકોની ધરપકડ કરી છે જ્યારે 5 આરોપી હાલ પણ ફરાર છે.
કારમાં બેસાડી અવાવરું જગ્યાએ લઈ ગયા
મળતી માહિતી મુજબ, સુરતના રાંદેરમાં રહેતા જેસિંગ સુમેસરા સોફ્ટવેર ડેવલપર છે. તેમને 28 મેના રોજ પ્રકાશ ઉર્ફે પંકાલાલ લંગડા નામના શખ્સનો ફોન આવ્યો હતો અને કહ્યું હતું કે, મારે સોફ્ટવેર ટ્રેડિંગનું એક ભાઈનું કામ કરવું છે અમે સુરત આવીએ છીએ. આથી અડાજણ એલપી સવાણી રોડ પર આવેલા એક રેસ્ટોરન્ટમાં તેમની મિટિંગ યોજાઈ હતી. બીજા દિવસે સોફ્ટવેર ડેવલોપર જેસિંગને પ્રકાશે ફોન કરી સવાણી રોડ પર ખાતે બોલાવી ત્યાં ઉભેલી એક બ્લેક કલરની કારમાં બેસવા કહ્યું હતું, જેમાં પહેલાથી જ 4 લોકો બેઠા હતા. જ્યારે પ્રકાશ અન્ય એક કારમાં બેઠો હતો.
25 લાખ આંગડિયું કરાવ્યું, 1.75 કરોડનો ચેક લખાવ્યો
આ પણ વાંચો… આ રીતે ભણશે ગુજરાત..એક જ વર્ગખંડમાં ધો.1 થી ધો.5ના વિદ્યાર્થીઓ અભ્યાસ કરવા મજબુર
દરમિયાન પ્રકાશ અને તેના સાગરીતો જેસિંગનું અપહરણ કરી કામરેજ ચાર રસ્તા પાસે એક અવાવરું જગ્યાએ લઈ ગયા હતા અને ધમકાવી રૂ. 25 લાખ રાજકોટમાં અલ્પેશ નામે આંગડિયું કરાવ્યું હતું. ઉપરાંત, રૂ. 1.75 કરોડનો ચેક લખાવી તેના પર સહી લઈ બળજબરી લખાણ લખાવી સ્ટેશને મૂકીને ભાગી ગયા હતા. આ મામલે ફરિયાદ થતા સાયબર ક્રાઇમે રાજકોટના પ્રકાશ ઉર્ફે ચુનીલાલ અઘારા, રણજિત શીવાલિયા અને ભવન શીવાલિયાની ધરપકડ કરી કાર સહિતના મુદ્દામાલ જપ્ત કર્યો છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે. માહિતી મુજબ, આ કેસના 5 આરોપી હાલ ફરાર છે.