Surat, EL News
સુરતમાં ધો. 8માં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીને સોશિયલ મીડિયા થકી યુવકે પ્રેમજાળમાં ફસાવીને ફરવા લઈ જઈ કિસ કરતો ફોટો પાડ્યો હતો. ત્યાર બાદ ફોટો વાયરલ કરવાની ધમકી આપી બ્લેકમેલ કરી યુવતી પાસેથી રૂપિયાની માગ કરી હતી. આથી વિદ્યાર્થિનીએ ડરીને પોતાના જ ઘરમાં અલગ અલગ એમ કુલ રૂ. 50 હજારની ચોરી કરી પ્રેમી યુવકને આપ્યા હતા. આ મામલે કિશોરીની માતાને જાણ થતા આરોપી યુવક અને તેના ભાઈ વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરી છે.
સોશિયલ મીડિયા થકી પ્રેમજાળમાં ફસાવી
મળતી માહિતી મુજબ, સુરતના ગોડાદરા વિસ્તારમાં રહેતી 14 વર્ષીય કિશોરી ધો. 8માં અભ્યાસ કરે છે. સોશિયલ મીડિયા થકી વિદ્યાર્થિની વિકાસકુમાર વિશ્વકર્મા નામના યુવકના સંપર્કમાં આવી હતી. વિકાસે વિદ્યાર્થિનીને વાતોમાં ફોસલાવી પહેલા મિત્રતા કેળવી અને ત્યાર બાદ પ્રેમજાળમાં ફસાવી. દરમિયાન વિકાસ વિદ્યાર્થિનીને ફરવા માટે ડુમસ લઈ ગયો હતો, જ્યાં તેણે લીપ કિસ કરતો ફોટો પાડ્યો હતો. થોડા સમય બાદ વિકાસે મોબાઇલમાં કિસ કરતો ફોટો બતાવી વિદ્યાર્થિની પાસે પૈસા માગ્યા હતા અને જો પૈસા ન આપે તો વાયરલ કરવાની ધમકી પણ આપી હતી.
આ પણ વાંચો…આવતીકાલે ધો.12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર કરાશે
આરોપીએ વિદ્યાર્થિનીના ઘરે પહોંચી 10 હજાર માગ્યા
આથી બદનામીના ડરથી વિદ્યર્થિનીએ પોતાના જ ઘરમાંથી ચોરી કરીને ટુકડે ટુકડે 50 હજાર આપ્યા હતાં. જો કે, ગતરોજ સાંજે વિકાસ તેના 3 મિત્રો સાથે વિદ્યાર્થિનીના ઘરે ગયો હતો અને રૂ.10 હજાર માગ્યા હતા. પરંતુ, આ મામલે વિદ્યાર્થિનીની માતાને જાણ થતા તેમણે વિકાસને ઘરની બહાર કાઢ્યો હતો. ત્યાર બાદ વિકાસ અને તેના ભાઈ આકાશે વિદ્યાર્થિની અને તેની માતાને બદનામ કરવાની ધમકી આપી હતી. આથી વિદ્યાર્થિનીની માતાએ ગોડાદરા પોલીસમાં વિકાસ અને તેના ભાઈ આકાશ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.