Breaking News ,EL News
બોટાદના સાળંગપુર હનુમાનજી મંદિર ખાતે કિંગ ઓફ હનુમાન પ્રતિમાના વિવાદાસ્પદ ભીંતચિત્રોને આજે એક સનાતની ભક્તે તોડવાનો પ્રયાસ કર્યો હતો. ભક્તે ભીંતચિત્રો પર કાળો રંગ લગાવી કુહાડી વડે તોડવાની કોશિશ કરી હતી. જો કે, પોલીસે બેરિકેડ્સ તોડીને પ્રતિમાને નુકસાન પહોંચાડવા આવેલા આ શખ્સને ઝડપી લીધો હતો. મીડિયા અહેવાલ અનુસાર, આ શખ્સની ઓળખ ગઢડા તાલુકાના ચારણકી ગામના હર્ષદ ગઢવી તરીકે થઈ છે.
સાધુ-સંતોની ઉગ્ર આંદોલનની ચિમકી
સાળંગપુર હનુમાન મંદિરમાં સ્થાપિત કરેલ કિંગ ઓફ હનુમાન પ્રતિમા નીચે કેટલાક ભીંતચિત્રો કંડારવામાં આવ્યા છે, જેમાં ભગવાન હનુમાનજીને સ્વામિનારાયણ ભગવાને વંદન કરતા અને સેવા કરતા દર્શાવવામાં આવ્યા છે. આ ચિત્રો સોશિયલ મીડિયા પર વાયરલ થતા સાધુ-સંતોમાં ઉગ્ર રોષ જોવા મળી રહ્યો છે. અનેક હિન્દુ સંગઠનો દ્વારા પણ આનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. મંદિર વહીવટી તંત્ર દ્વારા આ ચિત્રો હટાવી લેવા સાધુ-સંતો અને હિન્દુ સંગઠનોએ માગ કરી છે અને સાથે દૂર નહીં કરાય તો ઉગ્ર આંદોલનની ચિમકી પણ આપવામાં આવી છે. આ વચ્ચે એક સનાતની ભક્તે મંદિર પરિસરમાં જઈ ભીંતચિત્રોને તોડવાનો પ્રયાસ કર્યો હતો.
આ પણ વાંચો…આંખોના ડાર્ક સર્કલને દૂર કરશે આ સરળ નુસખાઓ
ભીંતચિત્રો પર કાળો કલર લગાવ્યો
મીડિયા રિપોર્ટ અનુસાર, ભીંતચિત્રોમાં ભગવાન હનુમાનજીને સ્વામિનારાયણ ભગવાનના દાસ દેખાડાતા હનુમાનભક્તની લાગણી દુભાતાં તેણે મંદિર પરિસરમાં પ્રવેશી બેરિકેટ્સ તોડી વિવાદાસ્પદ ભીંતચિત્રો પર કાળો કલર લગાવ્યો હતો અને પછી કુહાડીથી ભીંતચિત્રોને તોડવાનો પ્રયાસ કર્યો હતો. જો કે, પોલીસ જવાનોએ આ શખ્સને ઝડપી લીધો હતો. શખ્સની ઓળખ ગઢડા તાલુકાના ચારણકી ગામના હર્ષદ ગઢવી તરીકે થઈ છે. જણાવી દઈએ કે, વિવાદ વધતા મંદિર પરિસરમાં બાઉન્સર અને પોલીસ દ્વારા કડક સુરક્ષા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. સાથે પ્રતિમાની ચારેકોર બેરિકેટ્સ પણ લગાવવામાં આવ્યા છે. આ ઘટનાની જાણ થતા Dy.SP ઘટના સ્થળે પહોંચ્યા હતા અને તપાસ હાથ ધરી હતી.