Rajkot, EL News
રાજ્યમાં રખડતાં ઢોરનો ત્રાસ તો યથાવત છે જ પરંતુ હવે રખડતાં શ્વાનનો ત્રાસ પણ વધી રહ્યો છે. રાજ્યમાં રખડતા ઢોર દ્વારા લોકો પર હુમલાના બનાવ ત્યાર સુધી સામે આવતા હતા, પરંતુ હવે એક રખડતા શ્વાનના કારણે મહિલાનું મોત નીપજ્યું હોવાની ઘટના બની છે. મળતી માહિતી મુજબ, રાજકોટમાં એક દંપતી બાઇક પર જઈ રહ્યું હતું ત્યારે એક રખડતાં શ્વાને પાછળની સીટ પર બેઠેલા મહિલાની સાડીનો છેડો પકડી લેતાં મહિલા બાઇક પરથી નીચે પટકાયા હતા, જેથી માથાના ભાગે ગંભીર ઇજા થતા મહિલાનું મોત નીપજ્યું છે.
મળતી માહિતી મુજબ, રાજકોટના કોઠારિયા રોડ ખાતે આવેલી પારસ પાર્ક સોસાયટીમાં રહેતા મનજીભાઈ ગોંડલિયા પત્ની નયનાબેન સાથે ગુરુવારે સવારે એક હવન કાર્યક્રમમાં હાજરી આપવા માટે ગામડે જવા નીકળ્યા હતા. દરમિયાન કોઠારિયા ચોકડી પાસે એક રખડતા શ્વાને બાઇકની પાછળની સીટ પર બેઠેલા નયનાબેનની સાડીનો છેડો પકડતાં નયનાબેને સંતુલન ગુમાવ્યું હતું અને તેઓ નીચે પટકાયા હતા. આથી તેમને માથાના ભાગે ગંભીર ઇજા પહોંચી હતી. ઘટના બાદ તેમને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવાયા હતા, જ્યાં હાજર સારવાર દરમિયાન નયનાબેનનું મોત નીપજ્યું હતું.
આ પણ વાંચો…અમદાવાદ: ગુજરાત શીખ સમાજે તિરંગા સાથે ખાલિસ્તાની
લોકોમાં રખડતાં શ્વાનનો ડર
આ ઘટના બાદ સ્થાનિક લોકોમાં રખડતાં શ્વાનનો ડર વ્યાપી ગયો છે. આ પહેલા પણ રખડતા શ્વાનના હુમલાના બનાવ સામે આવ્યા હતા. સુરતમાં હડકાયેલા એક શ્વાને બાળક પર ઘાતકી હુમલો કર્યો હતો, જેમાં બાળકનું મૃત્યું થયું હતું. જ્યારે અન્ય એક ઘટનામાં પાંડેસરા વિસ્તાર પાસે ભેસ્તાનના એક કપચીમાં રમતા બાળક પર પાંચથી વધુ શ્વાન દ્વારા હુમલો કરાયો હતો, જેમાં બાળકને શ્વાનોએ 25 જેટલા બચકાં ભર્યા હતા. બાળકની હાલત ગંભીર હોવાથી તેને સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો.