Ahemdabad, EL News
અમદાવાદ શહેરના સાબરમતી પોલીસ સ્ટેશન દ્વારા સાબરમતી વિસ્તારમાં ‘પોલીસ પ્રજા સમન્વય કાર્યક્રમ’ નું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ પોલીસ અને પ્રજા વચ્ચેનો સમન્વય મજબૂત કરવાનો હતો આ ઉપરાંત પ્રજામાં જાગૃતતા લાવવા તથા સાયબર ક્રાઈમને લગતા ગુનાઓ અટકાવવા માટે સાબરમતી પોલીસ સ્ટેશન દ્વારા આ કાર્યક્રમ યોજાયો હતો.
‘પોલીસ પ્રજા સમન્વય’ કાર્યક્રમમાં સાબરમતી વિસ્તારના મોટી સંખ્યામાં સ્થાનિક રહીશો ઉપસ્થિત રહ્યા હતાં. આ કાર્યક્રમમાં હાજર પોલીસ અધિકારી મુખ્યત્વે ગુજરાત સરકાર દ્વારા રાજ્યમાં સાયબરને લગતા ગુનાઓ અટકાવવા તેમજ થયેલ ગુનાઓના ત્વરિત નિવારણ સંદર્ભે માર્ગદર્શન આપ્યું હતું. સાથોસાથ ગુજરાત સરકારના હેલ્પલાઈનના વિવિધ નંબરો અને સાયબર ક્રાઇમને લગતા સવાલોને કવીઝ સ્વરૂપમાં પૂછી પબ્લિક સાથે સંવાદ સાધ્યો હતો. આ ઉપરાંત સાયબર હેલ્પલાઈન નંબર – 1930 ઉપર વિશેષ ભાર મુકવામાં આવ્યો હતો.
આ પણ વાંચો… 25 મેના રોજ ધોરણ 10નું પરીણામ થશે જાહેર
આ ઉપરાંત આજ-કાલ આંગળીના ટેરવાથી બનતો અપરાધ વિશે અને સાયબર ક્રાઇમ અંગે જાગૃતિ વધે તે હેતુથી સાયબર સેલ, અમદાવાદ શહેર દ્વારા બનાવેલ ‘સાયબર સેફ ગર્લ’ પુસ્તિકાનું વિતરણ કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમમાં હાજર ઉચ્ચ પોલીસ અધિકારીઓએ વિવિધ હેલ્પલાઇન સંદર્ભે વાત કરી જાણકારી આપી હતી. જેમ કે, સિનિયર સીટીઝન હેલ્પલાઈન – 1096, મહિલા હેલ્પલાઈન – 181, ફાયર નંબર – 101, પોલીસ કંટ્રોલ રૂમ નંબર – 100 વિશે વાત કરી હતી.
પોલીસની સારી કામગીરી થકી પ્રજામાં ઊંચો વિશ્વાસ પેદા થાય તે હેતુથી સાબરમતી પોલીસ સ્ટેશન વિસ્તારના ફરિયાદીઓએ મંચ પર આવી પોતાના અનુભવો શેર કર્યા હતા તથા પોલીસનો ફરિયાદી પ્રત્યેનો ભાવ તથા તેમની કામગીરીને પણ પ્રશંસા કરી બિરદાવી હતી.
પોલીસ પ્રજા સમન્વય કાર્યક્રમ અંગે વાત કરતાં સાબરમતી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર એચ.એન પટેલ જણાવે છે કે, આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ વિવિધ ગુનાઓ અને સાયબર ક્રાઈમ વિશે પ્રજામાં જાગૃતતા લાવવા તથા માહિતગાર કરવાનો હતો.
‘પોલીસ પ્રજા સમન્વય’ કાર્યક્રમમાં સાબરમતી વિસ્તારના ધારાસભ્ય હર્ષદભાઈ પટેલ, અધિક પોલીસ કમિશ્નર સેકટર 1 નીરજ બડગુજર, ઇન્ચાર્જ નાયબ પોલીસ કમિશ્નર ઝોન 2 સુશીલ અગ્રવાલ, મદદનીશ પોલીસ કમિશ્નર એચ.એન.પટેલ તેમજ સાબરમતી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર એચ.એન પટેલ સહિત સાબરમતી વિસ્તારના મોટી સંખ્યામાં સ્થાનિક રહીશો ઉપસ્થિત રહ્યાં હતાં.