Surat, EL News
સુરતમાં સચિન જીઆઈડીસીમાં કાપડના વેપારી પાસેથી લાખો રૂપિયાનો માલ લઈ પેમેન્ટ ન ચૂકવી ફરાર થઈ ગયેલા પાંચ શખ્સ સામે વેપારીએ સચિન જીઆઈડીસી પોલીસ મથકમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી. આ મામલે પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
માહિતી મુજબ, સુરતના અલથાણ ઉમિયા બંગલોઝ ખાતે રહેતા અને સચિન જીઆઈડીસી લક્ષ્મીવિલા ટેક્સટાઈલમાં યોગેશ્વર ફેબના નામથી તેમ જ પરિવારના અન્ય સભ્યોના નામથી અલગ-અલગ ફર્મથી કાપડની ફેક્ટરી ધરાવતા અશ્વિનભાઈ પટેલને શિવરાજ ઉર્ફે શિવ નામનો એક કાપડ દલાલ મળવા આવ્યો હતો. દરમિયાન તેણે મહાવીર માર્કેટમાં દુકાન ધરાવતા નવકાર એન્ટરપ્રાઈઝના માલિક મુકેશ જૈન અને ભાવેશ ચનિયારા અને સાવન ક્રિએશનના દીપક રાજપૂત અને રામેશ્વર સોની સાથે મુલાકાત કરાવી હતી.
આ પણ વાંચો…અદાણી ગ્રુપની કંપનીઓ NSEના આ ઈન્ડેક્સમાં મળશે સ્થાન
વેપારીને વિશ્વાસમાં લઈ લાખોનો ઓર્ડર આપ્યો
શિવરાજે અશ્વિનભાઈને અન્ય વેપારીઓની પ્રમાણિકતા અને સમયસર પેમેન્ટ કરવાની વાત કરી વિશ્વાસમાં લઈ કાપડનો ઓર્ડર આપ્યો હતો. જો કે, પહેલી વખત આપેલા ઓર્ડરનું પેમેન્ટ સમયસર કરી અશ્વિનભાઈનો વિશ્વાસ કેળવ્યો હતો. ત્યાર બાદ નવકાર એન્ટરપ્રાઈઝ મારફતે 43,08,520નો અને સાવન ક્રિએશનમાંથી 19,48,800નો માલ મગાવાયો હતો. જોકે આ ઓર્ડરનું પેમેન્ટ સમયસર ન ચૂકવતા અશ્વિનભાઈએ ઉઘરાણી કરતા વાયદાઓ કરતા હતા. ત્યાર બાદ વધુ સમય વીતી જતા અશ્વિનભાઈ તેમની દુકાને જતા દુકાન બંધ તાળા હતા. તપાસ કરતા અન્ય લોકો સાથે પણ આ પ્રકારે છેતરપિંડી કરી હોવાની જાણ થઈ હતી. આથી આ મામલે અશ્વિનભાઈએ 5 લોકો સામે સચિન જીઆઈડીસી પોલીસ મથકમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી, જેના આધારે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.