દેશ વિદેશ:
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ શુક્રવારે જણાવ્યું હતું કે NRI ટૂંક સમયમાં ભારત બિલ પે વડે યુટિલિટી બિલની ચૂકવણી કરી શકશે. ભારત બિલ પે સિસ્ટમની મદદથી, NRI હવે ભારતમાં રહેતા તેમના પરિવારના સભ્યો તરફથી ગેસ, પાણી અને વીજળીના બિલ અને શિક્ષણ ફી ચૂકવી શકશે. દ્વિ-માસિક નાણાકીય નીતિની જાહેરાત કરતા, RBI ગવર્નર શક્તિકાંત દાસે કહ્યું કે, આનાથી વરિષ્ઠ નાગરિકોને ઘણો ફાયદો થશે. કેન્દ્રીય બેંક ટૂંક સમયમાં આ અંગે જરૂરી સૂચનાઓ જારી કરશે.
RBIના ગવર્નર શક્તિકાંત દાસે કહ્યું કે, ભારત બિલ પેએ ભારતમાં બિલ ભરવાની રીતને ઘણી હદ સુધી બદલી નાખી છે. હવે વિદેશથી આવનારા લોકો માટે આ સિસ્ટમ તૈયાર કરવાનો પ્રસ્તાવ છે. તેમણે કહ્યું કે, આનાથી બિન-નિવાસી ભારતીયો (NRI) ભારતમાં રહેતા તેમના પરિવારો વતી બિલ ચૂકવી શકશે. આનો અર્થ એ છે કે, જો તમારો પુત્ર કે પુત્રી વિદેશમાં રહે છે, તો તેઓ તમારું બિલ ચૂકવી શકશે.
ભારત બિલ પેમેન્ટ સિસ્ટમ શું છે?
BBPS એટલે કે, ભારત બિલ પેમેન્ટ સિસ્ટમ એ બિલ ચુકવણીની એક સંકલિત સિસ્ટમ છે, જે ગ્રાહકોને ઓનલાઈન બિલ ચુકવણી સેવા પૂરી પાડે છે. આ સિસ્ટમ નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI) હેઠળ કામ કરે છે.
ભારત બિલ પે સિસ્ટમ (BBPS)એ પ્રમાણભૂત બિલ પે સિસ્ટમ છે. 20,000 થી વધુ બિલર્સ આ સિસ્ટમનો ભાગ છે. આ પ્લેટફોર્મ પર દર મહિને 8 કરોડથી વધુ વ્યવહારો થાય છે.
આ બીલ પર કરી શકો છો ચુકવણી
તમે ભારત બિલ પેમેન્ટ સિસ્ટમ વડે વીજળી, પાણી, ફોન અને ગેસ વગેરેના બિલ ચૂકવી શકો છો. આ સાથે વીમા પ્રીમિયમ, મ્યુચ્યુઅલ ફંડ, શાળાની ફી, ક્રેડિટ કાર્ડ અથવા FasTAG રિચાર્જ અને હાઉસિંગ સોસાયટીના માસિક અથવા વાર્ષિક ચાર્જ પણ ચૂકવી શકાય છે.
બિલ ચૂકવવા માટે તમે ડેબિટ કાર્ડ, ઈન્ટરનેટ બેન્કિંગ, યુપીઆઈ અને વોલેટ વગેરેનો ઉપયોગ કરી શકો છો.