Ahmedabad, EL News
પંચાયત સેવા પસંદગી મંડળના જુનિયર ક્લાર્કની પરીક્ષાનું પેપર ફૂટવાની ઘટના બાદ રાજ્યના હજારો વિદ્યાર્થિઓમાં આક્રોશ ફાટી નીકળ્યો હતો. આ મામલે રાજ્ય સરકારે મહત્ત્વનો નિર્ણય લઈ પંચાયત સેવા પસંદગી મંડળના નવા ઇન્ચાર્જ તરીકે IPS હસમુખ પટેલને જવાબદારી સોંપી છે. હવે આ મામલે વધુ એક મોટા સમાચાર સામે આવ્યા છે. જુનિયર ક્લાર્કની પરીક્ષા ક્યારે લેવાશે તે અંગે માહિતી આપવામાં આવી છે.
જુનિયર ક્લાર્કની પરીક્ષા હવે એપ્રિલ મહિનામાં લેવાઈ શકે છે. જોકે હજી સુધી ચોક્કસ તારીખ અંગે કોઈ જાહેરાત કરવામાં આવી નથી. મીડિયા સૂત્રો મુજબ, મંડળ દ્વારા જણાવાયું છે કે, બોર્ડની પરીક્ષા બાદ જુનિયર ક્લાર્કની પરીક્ષા યોજાઈ શકે છે. પરીક્ષાની તારીખ અંગે જલ્દી જાહેરાત કરવામાં આવશે. હસમુખ પટેલે જુનિયર ક્લાર્ક પરીક્ષાનું પેપર ફૂટવાની ઘટનાને કમનસીબ ગણાવી છે. તેમણે કહ્યું કે, એપ્રિલ મહિનામાં પરીક્ષા લેવાની તૈયારી ચાલી રહી છે, પરંતુ હજી આ ચોક્કસ નથી. વહેલામાં વહેલી તકે પરીક્ષા લેવામાં આવશે.
આ પણ વાંચો…તમારા પેટ પર સૂવાથી ઘણું નુકસાન થઈ શકે છે
સ્વચ્છ અને વહેલી તકે પરીક્ષા લેવાશે
હસમુખ પટેલે જણાવ્યું કે, ભવિષ્યમાં આવી ઘટના ના બને તે માટે તંત્ર દ્વારા યોગ્ય પગલા અને તૈયારીઓ કરવામાં આવી રહી છે. સરકાર અને પંચાયત સેવા પસંદગી મંડળની પ્રાથમિકતા છે કે તમામ પરીક્ષા સ્વચ્છ અને વહેલી તકે લેવાય. તેમણે કહ્યું કે, પેપર લીક ન થાય અને પરીક્ષા કેન્દ્રો પર ગડબડી ન થાય તે માટેની કાળજી રાખવાની છે. જે લોકો આવી ગેરકાયદે પ્રવત્તિ કરી રહ્યા છે તેમની વિરુદ્ધ સરકાર દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે, પહેલા પણ સરકાર દ્વારા જણવાયું હતું કે 100 દિવસની અંદર પરીક્ષા લેવામાં આવશે. હસમુખ પટેલે પણ વિદ્યાર્થીઓને તૈયારી કરવા જણાવ્યું છે.
સરકારની કામગીરી સામે સવાલ
જણવી દઈએ કે અત્યાર સુધીમાં રાજ્યમાં 12 પેપર ફૂટ્યા છે. વારંવાર પેપર ફૂટવાની ઘટનાના કારણે રાજ્ય સરકારની કામગીરી પર પણ સવા ઊભા થયા છે. આથી ભવિષ્યમાં હવે ફરી કોઈ પરીક્ષાનું પેપર લીક ન થાય તે માટે રાજ્ય સરકાર દ્વારા પેપરલીકમાં સામેલ લોકો સામે નવા કાયદો લાવવાની તૈયારી કરી રહી છે. સાથે જ પરીક્ષા દરમિયાન પોલીસ તંત્ર સહિત વિવિધ એજન્સીઓને પણ એલર્ટ રહેવા સૂચન કરાશે.