Ahmedabad, EL News
રાજ્યમાં હાલ ચોમાસું પાછળ ખેંચાયું છે. ત્યારે હવામાન વિભાગે પણ તાપમાનમાં વધારો થવાની સંભાવના વ્યક્ત કરી છે. ઓગસ્ટ મહિનાના અંતે વરસાદ નહીં પણ ગરમીનો પારો વધે તેવી શક્યતાઓ છે. હાલ કેટલાક જિલ્લામાં વાદળછાયું વાતાવરણ અને પવનની ગેરહાજરીના કારણે લોકો ભારે બફારાનો અનુભવ કરી રહ્યા છે.
હવામાન વિભાગના જણાવ્યા મુજબ, હાલ રાજ્યમાં અલનીનોની અસર જોવા મળી રહી છે, જેના કારણે વરસાદની સિસ્ટમ સક્રિય નથી થઈ રહી. આ વચ્ચે તાપમાનમાં પણ વધારો થવાની શક્યતાઓ છે. આગામી એક-બે દિવસ દરમિયાન સૌરાષ્ટ્ર-કચ્છ સહિતના વિસ્તારોમાં હવામાન સૂકું રહેવાની શક્યતાઓ છે.
આ પણ વાંચો…રાજકોટ માં કાલ રવિવારથી શરૂ પ્રાકૃતિક કૃષિ વેચાણ કેન્દ્રો
બે દિવસ બાદ દક્ષિણ ગુજરાતમાં હળવો વરસાદ પડવાની સંભાવના
હવામાન વિભાગે આગાહી કરી છે કે, આગામી બે દિવસ બાદ દક્ષિણ ગુજરાતમાં હળવો વરસાદ પડી શકે છે. સુરત, નવસારી, વલસાડ, દમણ, તાપીમાં મધ્યમ વરસાદ પડવાની આગાહી છે. જો કે, ભારે વરસાદ પડવાની હાલ કોઈ આગાહી કરવામાં આવી નથી. હાલ કોઈ વરસાદી સિસ્ટમ પણ એક્ટિવ નથી. હવામાન વિભાગના જણાવ્યા મુજબ, દક્ષિણ પશ્ચિમી પવનો ભેજ લઈને આવી રહ્યા હોવાથી કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ પડવાની સંભાવનાઓ છે. ઉલ્લેખનીય છે કે, ઓગસ્ટ મહિનામાં પ્રમાણ કરતો ખૂબ જ ઓછો વરસાદ પડ્યો છે. ત્યારે મહિનાના અંતે રાજ્યના કેટલાક વિસ્તારમાં હળવો વરસાદ પડે એવી આશા છે. જો કે, આ સાથે આગામી એક-બે દિવસ તાપમાનમાં 1થી 2 ડિગ્રી સુધીનો વધારો થઈ શકે છે.