Vadodara, EL News
વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના અનેક ગામોમાં લોકો દ્વારા વીજ ચોરી થતી હોવાની માહિતી મળતા MGVCLની ટીમોએ મંગળવારે વહેલી સવારે કાર્યવાહી હાથ ધરી હતી. માહિતી મુજબ, રણુ, સાધી, આંતિ અને વડદલા સહિતના ગામોમાં MGVCLની વિવિધ ટીમ પોલીસ બંદોબસ્ત સાથે પહોંચી હતી અને 13 જગ્યાએ થતી વીજ ચોરી પકડીને કુલ 4 લાખનો દંડ ફટકાર્યો હતો. વહેલી સવારે MGVCLની ટીમો અને પોલીસ દ્વારા આ પ્રકારની કાર્યવાહી જોઈ ગામના લોકોમાં ચકચાર મચી જવા પામી હતી.
વહેલી સવારે MGVCLના અધિકારીઓ, વિજિલન્સ અને પાદરા પોલીસની કાર્યવાહી
મળતી માહિતી મુજબ, MGVCLની ટીમને માહિતી મળી હતી કે પાદરા તાલુકાના અનેક ગામમાં કેટલાક ગ્રાહકો વીજ કંપનીની હળવા દબાણની વીજલાઇનમાં લગરિયા નાખીને ડાયરેકટ કરી વીજ ચોરી કરે છે. આથી મંગળવારે વહેલી સવારે MGVCLના અધિકારીઓ, વિજિલન્સ અને પાદરા પોલીસ દ્વારા પાદરા તાલુકામાં વીજ કંપનીના વિભાગ-2માં આવતા જે.જી.વાય મહુવડ ફીડરના ચાર ગામ રણુ, સાધી, આંતિ અને વડદલા ગામમાં દરોડા પાડવામાં આવ્યા હતા.
આ પણ વાંચો…માત્ર 7 સેકન્ડમાં ધ્વસ્ત થયો 30 વર્ષ જૂનો અને 85 મીટર ઊંચો મહાકાય ટાવર
આંતી ગામના 10 અને સાધી ગામમાંથી 3 ગ્રાહકો સામે કાર્યવાહી
આ કાર્યવાહી હેઠળ ટીમ દ્વારા આંતી ગામના 10 અને સાધી ગામમાંથી 3 ગ્રાહકો મળી કુલ 13 ગ્રાહકોને વીજ ચોરી કરતા ઝડપી પાડ્યા હતા અને આ સાથે ટીમ દ્વારા કુલ 4 લાખનો દંડ વસૂલવામાં આવ્યો હતો. MGVCLની આ કાર્યવાહીમાં હેડ ઓફિસ તેમ જ મુવાલ, જાંબુવા, વડું, પાદરા સહિતના વીજ કંપનીનો સ્ટાફ પણ જોડાયો હતો. વીજ કંપની દ્વારા ઝડપાયેલા 13 ગ્રાહકો સામે પોલીસ કાર્યવાહીની તજવીજ હાથ ધરાઈ હતી.