Junagadh:
હાલ ચોમાસાની સીઝન ચાલી રહી છે. વિસાવદર ભેસાણ અને જુનાગઢના ગ્રામ્ય પંથકમાં મોટાભાગના ખેડૂતોએ મગફળીના પાકનું વાવેતર કર્યું છે.
હાલ ચોમાસાને દોઢથી બે માસ જેટલો સમય થયો છે. વિસાવદર પંથક અને ભેસાણમાં અનુરાધાર સતત વરસી રહેલા વરસાદના કારણે ખેડૂતોના મગફળીના પાકના મુળિયામાં મુંડા નામની જીવાત નો ઉપદ્રવ થવાના કારણે મગફળીનો પાક સુકાવા લાગ્યો છે.
ખેડૂતોએ એક વીઘા દીઠ કરેલા જંગી ખર્ચા સામે ખેડૂતોને હવે રાતા પાણીએ રોવાનો વારો આવે તેવી પરિસ્થિતિ છે. આ સમગ્ર મામલે વિસાવદર ભેસાણ અને જૂનાગઢ ગ્રામ્યના ધારાસભ્ય હર્ષદભાઈ રીબડીયાએ ખેડૂતોના ખેતરે ખેતરે જઈ અને સમગ્ર પરિસ્થિતિનો ચીટાર મેળવ્યો હતો.
ત્યારબાદ ધારાસભ્ય હર્ષદ રીબડીયા ગાંધીનગર ખાતે કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલને રૂબરૂ મળી અને લેખિત અને મૌખિક રજૂઆત કરી છે કે જે ખેડૂતોના ખેતરમાં મુંડાના ઉપદ્રવથી મગફળીના પાકને ભારે નુકસાન જાય છે.
તેવા અસરગ્રસ્ત ખેડૂતોનું સરકાર દ્વારા તાત્કાલિક સર્વે કરવામાં આવે અને આ સર્વે કર્યા બાદ તેઓને વળતર ચૂકવવામાં આવે તેવી વિસાવદર ભેસાણના ધારાસભ્ય હર્ષદ રીબડીયાએ કૃષિ મંત્રી સમક્ષ માંગ કરી છે.