Rajkot :
ગુજરાતમાં રખડતા ઢોરના ત્રાસનો સિલસિલો યથાવત છે. આજે રાજકોટમાં ગોપાલ ચોક નજીક એક સોસાયટીમાં સવારે 8 વાગ્યાના સુમારે એક વૃદ્ધ કોઈ કામ અર્થે ચાલીને જતા હતા ત્યારે સામેથી કાળા રંગની એક ગાયે અચાનક જ તે વૃદ્ધને ઢીંકે ચડાવ્યા હતા. આ ઘટના સીસીટીવીમાં કેદ થઇ ગઈ હતી અને દ્રસ્યો હચમચાવી નાખે તેવા હતા.
આ ઘટનાની વધુ વિગત મુજબ રાજકોટના સાધુવાસવાણી રોડ પર ગોપાલ ચોક નજીક રહેતા રસિકલાલ મોરારજીભાઈ ઠકરાર ગઈકાલે સવારે ઘરેથી ચાલીને દૂધ લેવા જતા હતા તે દરમિયાન તેમના ઘર પાસે જ એક ગાય ઘસી આવી હતી અને તેમને ઢીંકે ચડાવ્યા હતા. ગાયે રસિકલાલને પહેલા ઢીક મારીને પછી રગદોળ્યા હતા અને ત્રણ મિનિટ સુધી પોતાના સીંગડાથી ઢસડ્યા હતા. આ ઘટનાના પગલે સોસાયટીના રહીશ ભેગા થઇ ગયા હતા. રસિકલાલને તાત્કાલિક સારવાર મળે તે માટે હોસ્પિટલ લઇ જવાયા હતા જ્યાં તેમનું મૃત્યુ થઇ ગયું હતું. રસિકલાલની ઉમર આશરે 78 વર્ષ હતી.
આ પણ વાંચો…ગુજરાતમાં AMC કોર્પોરેશનમાં હારેલા ઉમેદવારોને ટિકિટ આપી
પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે રસિકલાલ ઠકરાર જુના માર્કેટિંગ યાર્ડમાં કમિશન એજન્ટ તરીકે વેપાર કરતા હતા. પરિવારના મોભીના સભ્યથી ઠકરાર પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. આ ઘટનાથી સોસાયટીના લોકોએ વારંવાર ઢોરના ત્રાસની અનેક ફરિયાદ કરી હોવા છતાં પણ કોઈ પગલાં લેવામાં આવ્યા ન હતા. આ ઘટનાની પોલીસ ફરિયાદ નોંધાઈ હતી અને ઇન્ડિયન પીનલ કોડ કલમ 289 તથા જી.પી.એક્ટની કલમ 90(એ) મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
ગુજરાતમાં આ આગાઉ અનેક જગ્યાએ આવી ઘટના બની હતી જો કે હજુ પણ રાજકોટ મ્યુનિસિપલનું તંત્ર ઊંઘતું હોય ત્યારે આવા બનાવ બની રહ્યા છે. રાજકોટ મહાનગર પાલિકાની ઢોર પકડવાની કામગીરી બંધ થઇ ગઈ છે. રાજકોટમાં ઘણા વિસ્તારો છે જ્યાં રખડતા ઢોરના ત્રાસથી લોકો ત્રાહિમામ છે.