Gandhinagar, EL News:
ગાંધીનગર ખાતે રખડતા ઢોર મામલે રાજ્યપાલની અધ્યક્ષતામાં મહત્વની બેઠક આજે મળી હતી. આ બેઠકમાં વિવિધ બાબતોની સમીક્ષા કરવામાં આવી હતી. રખડતા ઢોરનો ત્રાસ દિવસને દિવસે વધી રહ્યો છે. મોટી સંખ્યામાં રખડતા ઢોર પકડવામાં આવી રહ્યા છે છતાં સમસ્યા ઠેરની ઠેર જ જોવા મળી રહી છે. કેમ કે, રખડતા ઢોરના હુમલાઓ વધ્યા છે.
સરકાર દ્વારા બિલ પરત લેવાયું છે ત્યારે એએમસી અને નગરપાલિકા દ્વારા રખડતા ઢોર એકબાજુ પકડવામાં આવી રહ્યા છે. ત્યારે બીજી બાજુ રખડતા ઢોર રોડ પર જોવા મળી રહ્યા છે. રખડતા ઢોરનો ત્રાસ યથાવત છે ત્યારે મહાનગરોમાં રખડતા ઢોર પકડવાની ઝુંબેશ પણ પુરજોશમાં ચાલી રહી છે તો ક્યાંક રખડતા ઢોર પકડવાને લઈને ઢીલી નિતી પણ સામે આવી છે.
આ પણ વાંચો…વોટ્સએપ નંબર થકી પણ સીધા સીએમનો સંપર્ક કરી શકાશે
રાજ્યપાલે કહી આ વાત, બેઠકમાં વિભાગ, અધિકારીઓ થયા સામેલ
રાજ્યપાલ આચાર્ચ દેવવ્રતની અધ્યક્ષતામાં મળેલી બેઠકની અંદર પશુપાલન, વિભાગ શહેરી વિકાસના અધિકારીઓ, મનપાના અધિકારીઓ,ગૌ શાળાના સંચાલકો તેમજ અન્ય અધિકારીઓ વગેરે ઉપસ્થિત રહ્યા હતા. ખાસ કરીને આ પ્રકારે અગાઉ પણ બેઠકો યોજાઈ હતી પરંતુ રાજ્યપાલની અઘ્યક્ષતામાં આ પ્રથમ બેઠક મળી છે. ત્યારે તમામ પાસાઓ પર ધ્યાન રાખી સમીક્ષા કરવામાં આવી છે. આ સાથે રાજ્યપાલે પણ દિશા નિર્દેશ કરતા કહ્યું કે, તમામે એકસાથે મળીને ઉકેલ લાવવો જોઈએ તેમ સૂચના પણ આપી હતી. આ સાથે હાલની યોજનાઓની સમીક્ષા બેઠકમાં કરવામાં આવી છે.
હાઈકોર્ટમાં પણ આ મામલે 9 જાન્યુઆરીએ સુનાવણી
અગાઉ ખાસ કરીને આ મામલે હાઈકોર્ટે પણ રાજ્ય સરકારને યોગ્ય પગલા લેવા માટે કહ્યું હતું. આ મામલે તાજેતરમાં રખડતા ઢોરના કારણે હુમલાની ઘટના સામે આવી હતી ત્યારે હાઈકોર્ટની અંદર ઢોરના ત્રાસ સામે નિયંત્રણોને ધ્યાનમાં રાખીને સરકારે કડક પગલા લેવા જોઈએ તે માટે કોર્ટે આદેશ કર્યો છે. આ મામલે વધુ સુનાવણી 9 જાન્યુઆરી કોર્ટ દ્વારા હાથ ધરવામાં આવશે. અગાઉ હાઈકોર્ટે આ સમસ્યા મામલે ગંભીર રીતે વિચારવું જોઈએ તેમ પણ કહ્યું હતું. રખડતા ઢોરનો ઉપદ્રવ કાબૂ બહાર ગયો હોવાથી રાજ્ય સરકારે કડક પગલાં લેવા જોઈએ. તેમ હાઈકોર્ટે કહ્યું હતું. આ સમસ્યાના ઉકેલ માટે સરકારે ગંભીરતાથી કામ કરવું જોઈએ.