Ahmedabad , EL News
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (એએમસી)ની સામાન્ય સભા બુધવારે મળી હતી. આ સભામાં પક્ષ અને વિપક્ષના સભ્યો હાજર રહ્યા હતા. પરંતુ, સભા દરમિયાન વિપક્ષના સભ્યો દ્વારા જોરદાર હોબાળો કરવામાં આવ્યો હતો. હાટકેશ્વર બ્રિજ મામલે વિપક્ષના સભ્યોએ સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા. વિપક્ષ દ્વારા હાટકેશ્વર બ્રિજને ભ્રષ્ટાચારનો પાયો ગણાવવામાં આવ્યો હતો અને સભા દરમિયાન કોંગ્રેસના તમામ કોર્પોરેટર મેયરના ડાયસ પર ચડી વિરોધ નોંધાવ્યો હતો.
વિપક્ષે કાળા બેનર બતાવી વિરોધ નોંધાવ્યો
મળતી માહિતી મુજબ, બુધવારે યોજાયેલી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશની સામાન્ય સભામાં પક્ષ અને વિપક્ષ સામસામે આવી ગયા હતા. હાટકેશ્વર બ્રિજમાં ભ્રષ્ટાચાર મામલે વિપક્ષ દ્વારા જબરદસ્ત હોબાળો કરવામાં આવ્યો હતો. વિપક્ષ દ્વારા રાજ્યની ભાજપ સરકાર પર સવાલ કરતા હાટકેશ્વર બ્રિજને ભ્રષ્ટાચારનો પાયો ગણાવાયો હતો અને બ્રિજની ક્વોલિટી સાથે થયેલા ચેડા અંગે રૂડકી રિપોર્ટ આવી ગયો હોવા છતાં શું કાર્યવાહી કરવામાં આવી તે અંગે જવાબની માગ કરી હતી. પરંતુ, યોગ્ય જવાબ ન મળતા વિપક્ષે કાળા બેનર બતાવીને ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો.
આ પણ વાંચો…સુરત: પલસાણા નેશનલ હાઇવનો હૈયું કંપાવે એવો વીડિયો
‘જવાબદાર કોન્ટ્રાક્ટર અને અધિકારીઓ સામે કોઈ કાર્યવાહી નહીં’
એએમસી બોર્ડની બેઠકમાં વિપક્ષે આરોપ લગાવ્યો હતો કે હાટકેશ્વર બ્રિજ મામલે હજુ સુધી એએમસી દ્વારા જવાબદાર કોન્ટ્રાક્ટર અને અધિકારીઓ સામે કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. માત્ર રિપોર્ટ રજૂ કરી મામલો દબાવવાની કોશિશ કરવામાં આવી રહી છે. વિપક્ષે આરોપ લગાવ્યો કે હાટેશ્વર બ્રિજના નિર્માણમાં રૂ. 40 કરોડથી વધુનો ખર્ચ કરવામાં આવ્યો હતો, પરંતુ ભ્રષ્ટાચારના કારણે બ્રિજ નિર્માણના ટૂંક સમયમાં જ તૂટી ગયો. બ્રિજમાં વપરાયેલા માલની ગુણવત્તા એ હદે ખરાબ છે કે તેનું સમારકામ પણ થઇ શકે તેમ નથી. વિપેક્ષે કહ્યું કે, હાટકેશ્વર બ્રિજના કોન્ટ્રાકટર અને અધિકારીઓની મિલીભગતની પોલ ઉઘાડી પડી છે, તેમ છતાં તેમની સામે કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી.
હાટકેશ્વર બ્રિજનું 40 કરોડના ખર્ચે થયું હતું નિર્માણ
જણાવી દઈએ કે, વર્ષ 2017માં રૂ. 40 કરોડના ખર્ચે છત્રપતિ શિવાજી ફલાયઓવર બ્રિજ ( હાટકેશ્વર બ્રિજ)નું નિર્માણ કરવામાં આવ્યું હતું. પરંતુ, હલકી ગુણવતાનું ક્રોંકિટનું ઉપયોગ થતા તેના પોપડા ઉખડી જતા વાહનવ્યવહાર માટે બંધ કરવામાં આવ્યો છે. આ બ્રિજની કામગીરીમાં કરોડો રૂપિયાનું કૌંભાડ થયું હોવાનું વિપક્ષ દ્વારા દાવો કરવામાં આવી રહ્યો છે. ત્યારે એએમસી દ્વારા આ મામલે જવાબદાર કોન્ટ્રાક્ટર અને અધિકારીઓને છાવરવામાં આવતા હોવાના આરોપ પણ લગાવવામાં આવી રહ્યા છે.