#harghartiranga:
આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણીને લઇને પોરબંદરવાસીઓમાં અનેરો ઉત્સાહ અને ઉમંગ જોવા મળી રહયો છે. હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત પોરબંદરમાં ૧ લાખથી પણ વધુ તિરંગાનું વિતરણ કરવામાં આવ્યું છે. તો પોરબંદરના ખાદીગ્રામ ભંડારમાં અંદાજે પ લાખ રૂપિયાનાં કિંમતનાં ચાર હજાર તિરંગાનું વેંચાણ થયું છે.
પોરબંદરવાસીઓ પોતાના ઘર ઉપર તિરંગો લહેરાવી રાષ્ટ્રપ્રેમની અભિવ્યકિત કરશે. તા.૧૩ થી ૧પ ઓગસ્ટ સુધી હર ઘર તિરંગાનું આયોજન સરકાર દ્વારા કરવામાં આવ્યું છે. ગામડાઓથી લઇ અને શહેરો સુધી આ તિરંગા અભિયાનને લઇને લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહયો છે.
પોરબંદર જિલ્લાની તમામ ગ્રામ પંચાયતોમાં તિરંગાનું વિતરણ કરવામાં આવ્યું છે. આ તિરંગા અભિયાનને લઇને દરેક લોકોએ જોડાવવા આહવાન કરવામાં આવ્યું હતું. સામાજીક સંસ્થા તેમજ પોરબંદર જિલ્લા ભાજપ દ્વારા પણ તિરંગાનું વિતરણ કરવામાં આવ્યું છે.
પોરબંદર શહેરમાં દરેક વોર્ડમાં પણ તિરંગા વિતરણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે. ત્યારે પોરબંદરનાં ખાદીગ્રામ ઉધોગ દ્વારા પણ પ્રતિવર્ષ પણ આ વર્ષે પણ ખાદીના તિરંગાનું વેંચાણ કરવામાં આવ્યું હતું. આ વર્ષે ખાદીભંડારમાં તિરંગાનું રેકર્ડ બ્રેક વેંચાણ થયું હોવાનું જાણવા મળી રહયું છે.
અંદાજે પાંચ લાખની કિંમતનાં ચાર હજારથી પણ વધુ તિરંગાનું વેંચાણ થયું છે. લોકોએ પૈસા લઇને પણ તિરંગાની ખરીદી કરી છે અને પોતાના ઘર ઉપર આ તિરંગો લહેરાવી દેશપ્રેમની ઝાંખી કરાવી છે. પોરબંદર શહેર અને જિલ્લામાં દરેક ઘર ઉપર આન, બાન અને શાનથી તિરંગો લહેરાતો નજરે પડયો છે.
સામાન્ય રીતે ગાંધી જયંતિનાં દિવસે ખાદીનું વેંચાણ સૌથી વધુ હોય છે. અને રાષ્ટ્રીય પર્વ દરમિયાન ખાદીભંડારમાં તિરંગાનું પણ વેંચાણ થાય છે. દર વર્ષે માત્ર ર૦૦ થી ૩૦૦ જેટલા તિરંગાનું વેંચાણ થતું હતું. હર ઘર તિરંગા અભિયાનને લઇને આ વખતે ખાદી ભંડારમાં ચાર હજારથી પણ વધુ તિરંગાનું વેંચાણ થયું છે. જે પોરબંદરવાસીઓનો દેશપ્રેમ બતાવે છે.
આ પણ વાંચો … https://www.elnews.in/news/5598/
આ જ પ્રકાર ના માહિતીસભર આર્ટીકલ્સ તથા સમાચાર માટે આજે જ Playstore ઉપર થી ડાઉનલોડ કરો Elnews https://play.google.com/store/apps/details?id=com.elnews