Gandhinagar , EL New
રાજ્યમાં દરેક બાળક માતૃભાષા ગુજરાતી સારી રીતે શીખી શકે અને ભણી શકે તે માટે આજે વિધાનસભા ગૃહમાં શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે ગુજરાતી ભાષા ફરજિયાત અંગેનું બિલ રજૂ કર્યું હતું. આ બિલને ચર્ચા બાદ સર્વાનુમતે પસાર કરવામાં આવ્યું હતું. આ બિલ મુજબ, રાજ્યમાં ધોરણ 1થી 8માં ગુજરાતી ભાષા ફરજિયાત કરવામાં આવશે. જ્યારે ગુજરાતી ભાષા ફરજિયાત બિલમાં નિયમ ભંગ સામે કડક જોગવાઈ પણ કરાઈ છે. આ બિલ અંગે વિપક્ષના નેતા અમિત ચાવડાએ ટિપ્પણી કરી હતી કે, વિદ્યાર્થીઓ સાથે સરકારી અધિકારીઓ માટે પણ ગુજરાતી ભાષા ફરજિયાત કરવી જોઈએ. સરકારી અધિકારીઓ ગુજરાતી ભાષામાં વ્યવહાર કરે તે માટે તેમણે ટકોર કરી હતી.
ધો.1થી ધો.8 સુધી ગુજરાતી ભાષા ફરજિયાત કરાશે
મીડિયા અહેવાલ મુજબ, અમિત ચાવડાએ કહ્યું હતું કે, સરકારને કેમ છેક ત્યારે ગુજરાતી ભાષા ફરજિયાત કરવાની જરૂર લાગી? વિદ્યાર્થીઓ સાથે સરકારી અધિકારીઓએ પણ ગુજરાતી ભાષામાં વ્યવહાર કરવો જોઈએ. જણાવી દઈએ કે આજે વિધાનસભા ગૃહમાં શિક્ષણમંત્રી દ્વારા બિલ રજૂ કરવામાં આવ્યું હતું, જેને સર્વાનુમતે પસાર કરાયું હતું. આ બિલમાં રાજ્યની તમામ શાળાઓમાં ધો.1થી ધો.8 સુધી ગુજરાતી ભાષા ફરજિયાત કરવામાં આવશે. આ બિલ પર સત્તાપક્ષ અને વિપક્ષના કુલ 18 ધારાસભ્યએ પોતાના વિચારો રજૂ કર્યા હતા.
આ પણ વાંચો…Skin Care Tips:આ રીતે ઘરે જ હની ફેસ ક્લીંઝર બનાવો
કેટલીક શાળાઓ નિયમનો કરતી હતી ભંગ
માહિતી મુજબ, વિધાનસભામાં રજૂ કરવામાં આવેલા આ બિલમાં નિયમોનો ભંગ કરતી રાજ્યની શાળો સામે દંડ અને સજાની જોગવાઈ પણ કરવામાં આવી છે. રાજ્યમાં કેટલીક અંગ્રેજી માધ્યમની સ્કૂલો સહિત અન્ય સ્કૂલોમાં ગુજરાતી ભાષા ભણાવવામાં આવતી નહોતી. આથી હાઈકોર્ટે આ મામલે સરકારની ઝાટકણી કાઢી હતી. ત્યારે હવે રાજ્ય સરકારે ગુજરાતી ભાષા માટે બિલ પસાર કર્યું છે. હવે જલદી આ અંગે કાયદો બનાવવામાં આવશે.