Panchmahal:
પંચમહાલ જિલ્લા કક્ષાના ૭૬મા સ્વાતંત્ર્ય પર્વની શાનદાર ઉજવણી પોલીસ પરેડ ગ્રાઉન્ડ જાંબુઘોડા ખાતે કરાઇ.
જિલ્લા કલેક્ટર અને જિલ્લા મેજીસ્ટ્રેટ સુજલ મયાત્રાએ ધ્વજવંદન કરી ત્રિરંગાને આપી સલામી.
દેશની આઝાદી માટે પોતાનું સર્વસ્વ ન્યોછાવર કરનાર દેશના વીર સપૂતોના સ્વપ્નનું ભારત હવે આકાર લઈ રહ્યું છે તેનું સૌને ગૌરવ છે -જિલ્લા કલેક્ટર.
જિલ્લા કલેક્ટરના હસ્તે જાંબુઘોડા તાલુકા પંચાયતના વિકાસ કાર્યો માટે રૂા.૨૫.૦૦ લાખનો ચેક કરાયો એનાયત.
ઉત્કૃષ્ઠ કામગીરી અને સિધ્ધિ ધરાવતા અધિકારી/ કર્મચારી, અને રમતવીરોને પ્રમાણપત્ર આપી કરાયા સન્માનિત.
સ્વાતંત્રતા પર્વની આપ
સૌને Elnews તરફ થી
હાર્દિક શુભકામનાઓ
જિલ્લાના ૭૬માં સ્વાતંત્ર્ય પર્વની શાનદાર ઉજવણી પંચમહાલ જિલ્લાના જાંબુઘોડાના પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે પંચમહાલ જિલ્લા કલેક્ટર અને જિલ્લા મેજીસ્ટ્રેટ સુજલ મયાત્રાએ ધ્વજ વંદન કરી ત્રિરંગાને સલામી આપી હતી.
આ કાર્યક્રમના અધ્યક્ષ ના હસ્તે જાંબુઘોડા તાલુકા પંચાયતના વિકાસ કાર્યો માટે રૂા.૨૫.૦૦ લાખનો ચેક ટી.ડી.ઓ. ને એનાયત કરવામાં આવ્યો હતો. સાથે સાથે જિલ્લામાં ઉત્કૃષ્ઠ કામગીરી અને વિશિષ્ટ સિધ્ધી બદલ અધિકારીઓ/ કર્મચારીઓ, રમતવીરોને પ્રમાણપત્ર આપી સન્માન કર્યું હતું.

આ પ્રસંગે જિલ્લા કલેક્ટર સુજલ મયાત્રાએ જિલ્લા કક્ષાના રાષ્ટ્રીય પર્વ નિમિત્તે વરિષ્ઠ નાગરિકો, મહાનુભાવો, અધીકારીગણોનું હાર્દિક સ્વાગત કરી ભારતના ૭૬માં સ્વાતંત્ર્ય પર્વની સૌને શુભેચ્છાઓ પાઠવી સંબોધતાં જણાવ્યું હતું કે, આપણો દેશ તેના અમૃતકાળમાંથી પસાર થઈ રહ્યો છે ત્યારે દેશની આઝાદી માટે પોતાનું સર્વસ્વ ન્યોછાવર કરનાર દેશના વીર સપૂતોના સ્વપ્નનું ભારત હવે આકાર લઈ રહ્યું છે તેનું આપણને સૌને ગૌરવ છે.
આઝાદીની આહલેકમાં ગુજરાતની ભૂમિનું અદકેરું પ્રદાન રહ્યું છે. મહાત્મા ગાંધી, સરદાર વલ્લભભાઈ પટેલ, વીર સાવરકર, શ્યામજીકૃષ્ણ વર્મા જેવા અનેક સ્વાતંત્ર્યવીરોએ આઝાદી માટે સંઘર્ષ કર્યો છે. આપણે સૌ આ આઝાદીના અમૃત મહોત્સવ ઉજવી રહ્યા છીએ ત્યારે તેમના યોગદાનને ગૌરવ પૂર્વક યાદ કરી તેમને શત શત વંદન કરું છું.
દેશની એકતા, અખંડીતતા અને ગૌરવના પ્રતિક સમાન તિરંગાના સન્માન માટે “હર ઘર તિરંગા”ની સંકલ્પના આપવામાં આવી ત્યારે તમામ દેશવાસીઓ જાતી, ધર્મ કે સરહદોથી પર ઉઠીને તિરંગાના સન્માન માટે એક થઈએ અને એક ભારત શ્રેષ્ઠ ભારતનો મંત્ર સાર્થક કરી રહ્યા છીએ.

પંચમહાલ જિલ્લાની વાત કરીએ તો આરોગ્યમાં ગોધરા ખાતે રૂપિયા ૫૧૨ કરોડના ખર્ચે નવીન સરકારી મેડિકલ કોલેજ મંજુર થયેલ છે. જનરલ હોસ્પિટલ ગોધરા ખાતે ૪૦૦ બેડની કોવિડ – ૧૯ હોસ્પિટલ, આરટીપીસીઆર લેબોરેટરી સહિતની સુવિધાઓ કાર્યરત કરેલ છે.
પ્રધાનમંત્રી ઉજ્જ્વલા યોજના હેઠળ પંચમહાલ જિલ્લામાં ૪૦ હજાર ૪૧૩ kyc , ૩૭ હજાર ૨૮૨ ekyc તથા ૩૩ હજાર ૧૪૨ કનેક્શનનું જોડાણ કરવામાં આવ્યું છે. પ્રધાનમંત્રી ગ્રામીણ આવાસ યોજના હેઠળ પંચમહાલ જિલ્લામાં છેલ્લા પાંચ વર્ષમાં કુલ ૭૧૭૪૬ આવાસો મંજૂર થયેલ છે. ૫૭૩૬૬ આવાસોની કામગીરી પૂર્ણ થયેલ છે. આ યોજનાના કુલ ૫૩૮૧૬ લાખ રૂપિયા લાભાર્થીઓના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવ્યા છે. આ યોજના થકી જિલ્લાના છેવાડાના વ્યક્તિને પણ પોતાનું પાકું ઘર મળ્યું છે.
પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના અંતર્ગત પંચમહાલ જિલ્લામા સરેરાશ ૨ લાખ ૨૨ હજાર ૮૫ લાભાર્થીઓને અનાજ વિતરણ કરવામાં આવ્યું છે. ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના કે જેમાં સરકાર દ્વારા વિધવા બહેનોને માસિક ૧૨૫૦ રૂપિયા સહાય કરવામાં આવે છે જે અંતર્ગત અત્રે ૮૮૯૪ લાભાર્થીઓ લાભ મેળવી રહ્યા છે.આ સિવાય વયવંદના યોજના અંતર્ગત જિલ્લામાં ૬૫૩૨ લાભાર્થીઓ લાભ મેળવી રહ્યા છે. પ્રધાનમંત્રી મુદ્રા યોજના અંતર્ગત ૫૧૪૨૨ લાભાર્થીઓ નોધાયા છે જેમાં ૨૧૭૭૪ લાભાર્થીઓને સહાય આપવામાં આવી છે.
પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત પંચમહાલ જિલ્લામાં ૨ લાખ ૩૦ હજાર ૯૦૦ ખેડૂતોએ ઓનલાઇન રજીસ્ટ્રેશન કરાવેલ છે જેમાં સરકાર દ્વારા કુલ ૧૧ હપ્તામાં અત્યાર સુધી ૪૨૭.૧૯ કરોડની રકમની સહાય આપવામાં આવી છે. પંચમહાલ જિલ્લામાં કુલ ૨૦૦૦ આંગણવાડી કેન્દ્રો કાર્યરત છે. ૭૩ લાખ ૫૭ હજાર ૧૦૦ લાભાર્થીઓ કે જેઓ ૩ થી ૬ વર્ષના બાળકોને પૂર્વ પ્રાથમિક શિક્ષણનો લાભ આપવામાં આવે છે. ૧૨ લાખ ૪૧ હજાર ૪૦૦ ધાત્રી માતાઓને માતૃશક્તિના ચાર પેકેટનો લાભ આપવામાં આવે છે. સગર્ભા માતાઓ અને ધાત્રી માતાઓને બુધવાર અને શુક્રવારના રોજ દૂધ સંજીવની યોજનાનો લાભ આપવામાં આવે છે.

કાર્યક્રમ બાદ કલેક્ટર અને મહાનુભાવોના હસ્તે જાંબુઘોડાના પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી અર્જુનસિંહ રાઠોડ, જિલ્લા પોલીસવડા હિમાંશુ સોલંકી, પ્રાંત અધિકારી હાલોલ સહિત આમંત્રિત મહેમાનો, બાળકો અને મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહીને આ રાષ્ટ્રીય પર્વને ઉત્સાહ ભેર ઉજવણી કરવામાં આવી હતી.

સમાચાર, ઓફબીટ કન્ટેન્ટ, શિક્ષણ, નોકરી, ધંધા, જીવનશૈલી, આરોગ્ય, ક્રાઇમ, રમતગમત ની અપડેટ્સ માટે જોડાયેલા રહો અને આજે જ પ્લેસ્ટોર ઉપરથી ડાઉનલોડ કરો Elnews 👇