Ahmedabad, EL News:
અભ્યાસમાં ગુજરાતી ભાષાને પ્રાધાન્ય આપવા અને ભાષા અવરોધ ન બને તે હેતુથી રાજ્ય સરકાર દ્વારા એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. ગુજરાતી ભાષામાં મેડિકલનો અભ્યાસ કરી શકાય તેવું આયોજન રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવ્યું છે. આ અંગે રાજ્ય સરકારે સત્તાવાર રીતે જાહેરાત કરી છે.
આ પણ વાંચો…કોરોનાને કારણે ચીનની બેન્ડ વાગી
મેડિકલ સાથે અન્ય અભ્યાસક્રમો પણ ગુજરાતીમાં થઈ શકશે
રાજ્ય સરકારે જણાવ્યું કે, આગામી વર્ષોમાં વિદ્યાર્થીઓ ગુજરાતી ભાષામાં પણ મેડિકલનો અભ્યાસ કરી શકશે. આથી હવે મેડિકલનો અભ્યાસ અંગ્રેજી સાથે ગુજરાતી ભાષામાં પણ કરી શકાશે. મીડિયા અહેવાલ મુજબ, માત્ર મેડિકલ જ નહીં પરંતુ ટેક્નિકલ સહિત અન્ય કેટલાક અભ્યાસ ક્રમને પણ ગુજરાતી ભાષામાં જ આખરી ઓપ અપાઈ છે. નોંધનીય છે કે, કેટલાક તેજસ્વી વિદ્યાર્થીઓ માત્ર અંગ્રેજી ભાષાના કારણે જ મેડિકલ સહિતના અભ્યાસ પૂર્ણ કરી શકતા નથી. આથી હવે એવા વિદ્યાર્થીઓ માટે ભાષા અવરોધ રહેશે નહીં.
અભ્યાસ સામગ્રી ડિઝાઈન કરવા નિષ્ણાતોની સમિતિની રચના
માહિતી મુજબ, નવી શિક્ષણ નીતિના ભાગરૂપે મેડિકલ ઉપરાંત ટેક્નિકલ સહિતના અન્ય કેટલાક અભ્યાક્રમો ગુજરાતી ભાષામાં તૈયાર કરવામાં આવી રહ્યા છે. આ માટે અભ્યાસ સામગ્રી ડિઝાઈન કરવા નિષ્ણાતોની સમિતિની રચના પણ કરાઈ છે. આ હેઠળ વિવિધ યુનિવર્સિટીને જે તે વિષયના ભાષાંતરની કામગીરી સોંપવામાં આવી છે. શિક્ષણ વિભાગે ગુજરાત એનઇપી સેલ હેઠળ વિવિધ ટાસ્ક ફોર્સ સમિતિની રચના કરી કામગીરી સોંપી છે. આપને જણાવી દઈએ કે, ગત વર્ષે રાજ્ય સરકારે જાહેરાત કરી હતી કે વિદ્યાર્થીઓ ગુજરાતીમાં પણ મેડિકલનો અભ્યાસ કરી શકશે. જોકે હવે ટૂંક સમયમાં તેની અમલવારી કરવામાં આવી શકે છે. માહિતી મુજબ, નેશનલ એકેડેમિક ડિપોઝટરી પોર્ટલ પર એકેડેમિક બેંક ઓફ ક્રેડિટ માટે રાજ્યની 45 જેટલી યુનિવર્સિટીઓએ નોંધણીની પ્રક્રિયા પૂર્ણ કરી લીધી છે. ઉપરાંત, ડીજી લોકર પર યુનિર્સિટીઓએ વિદ્યાર્થીઓની માર્કશીટ પર અપલોડ કરી છે.