Gandhinagar, EL News
ગાંધીનગરમાં રખડતાં ઢોરની અડફેટે આવતા એક મહિલાનું મોત થયું છે. મહિલાની મોત બાદ મામલો બિચક્યો છે. મહિલા સગાઓએ મૃતદેહ ન સ્વીકારી ફરિયાદમાં ઢોર માલિક સાથે સંબંધિત તંત્રના ઉચ્ચ અધિકારીઓના નામ પણ સામેલ કરવા માગ કરી છે.
મળતી માહિતી મુજબ, સોમવારે ગાંધીનગરના દેહગામ ખાતે આવેલી શાસ્ત્રીનગર સોસાયટી પાસેથી ભૂતેશ્વરી ગામે રહેતા મધુબેન સોનારા પસાર થઈ રહ્યા હતા ત્યારે રખડતાં ઢોરે તેમણે અડફેટે લીધા હતા. આથી મધુબેન જમીન પર પટકાયા હતા અને તેમને માથાના ભાગે ગંભીર ઈજા થઈ હતી. સ્થાનિક લોકોએ ઇજાગ્રસ્ત મધુબેનને હોસ્પિટલ ખસેડવા મદદ કરી હતી, પરંતુ ગંભીર ઇજાના કારણે મધુબેનનું ઘટના સ્થળે જ મોત થયું હતું. મધુબેનના મૃત્યુની માહિતી તેમના પરિવારજનોને આપવામાં આવી હતી.
આ પણ વાંચો…સિવિલની કિડની હોસ્પિટલમાં કર્મચારીઓનો હોબાળો
ઉચ્ચ અધિકારીઓના નામ સામેલ કરવા માગ
પ્રાપ્ત માહિતી પ્રમાણે, મધુબેનના પરિવાજનોએ મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કર્યો છે. મહિલાને અડફેટે લેનાર ઢોરના માલિક સામે કાર્યવાહી નહીં કરાય ત્યાં સુધી લાશને પોસ્ટમોર્ટમ અર્થે લઈ જવાનો ઇનકાર કર્યો હતો. જોકે પોલીસે ખાતરી આપતા મહિલાના મૃતદેહને પીએમ અર્થે ખસેડાયો હતો. હાલ મહિલાના પરિવારજનોએ એફઆઈઆરમાં ઢોર માલિક સાથે સ્થાનિક તંત્રના ઉચ્ચ અધિકારીઓના નામ સામેલ કરવા પણ માગ કરી છે. આ માગના લીધે હવે મામલો બચક્યો છે.