Gandhinagar, EL News
કલોલમાં રહેતો પતિ ગાડી લેવા માટે પરિણીતાને પિયરેથી રૂ. 5 લાખ દહેજ લાવવા દબાણ કરી મારઝૂડ કરતો હતો. પરિણીતાએ 2 લાખ આપ્યા છતાં તે વધુ 3 લાખની માગણી કરતો હતો અને પરિણીતા માનસિક ત્રાસ આપતો હતો. દરમિયાન પરિણીતાને ખબર પડી કે તેના પતિએ છૂટાછેડા આપ્યા વિના જ બીજા લગ્ન કરી લીધા છે. આથી પરિણીતાએ પતિ વિરુદ્ધ કલોલ શહેર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
મળતી માહિતી મુજબ, મૂળ ઉત્તરપ્રદેશની 24 વર્ષીય યુવતીના લગ્ન હાલ કલોલમાં રહેતા ઝુલનસિંગ ઉર્ફે દીપકસિંગ યાદવ સાથે વર્ષ 2015માં થયા હતા. ઝુલનસિંગ ગાડી લાવવા માટે પરિણીતાને પિયરેથી રૂ. 5 લાખ લાવવા વારંવાર દબાણ કરતો હતો અને ત્રાસ આપતો હતો. આથી પરિણીતાએ પિયરેથી રૂ. 2 લાખ લાવીને આપ્યા હતા. પરંતુ તેમ છતાં ઝુલનસિંગ વધુ રૂ. 3 લાખની માગણી કરતો હતો અને પરિણીતા સાથે મારઝૂડ કરતો હતો.
આ પણ વાંચો…અમદાવાદના નવા કમિશનર જીએસ મલિકે ચાર્જ સંભાળ્યો છે
પિયરે મૂક્યા પછી બે વર્ષ સુધી પતિ પત્નીને લેવા ન ગયો
દરમિયાન ઝુલનસિંગ પત્નીને તેના પિયર ઉત્તરપ્રદેશ મૂકી આવ્યો હતો અને બે વર્ષ સુધી તેને લેવા ગયો નહોતો. વધુ સમય વીતી ગયા છતાં પણ પત્ની ન આવતા પરિણીતા કલોલ પહોંચી હતી. ત્યારે તેણીને જાણ થઈ કે તેના પતિએ છૂટાછેડા આપ્યા વિના અન્ય યુવતી સાથે લગ્ન કરી લીધા છે. આ મામલે પરિણીતાએ પતિ વિરુદ્ધ કલોલ શહેર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.