Gandhinagar , EL News
ગુજરાતમાં લોકસભાની ચૂંટણી પહેલા પ્રદેશની ભારતીય જનતા પાર્ટી (બીજેપી)ના રાજકારણમાં મોટો ફેરફાર જોવા મળ્યો છે. બુધવારે અચાનક ભાજપના ગુજરાત પ્રદેશ મહામંત્રી ભાર્ગવ ભટ્ટને પાર્ટીમાં તેમના પદ પરથી દૂર કરવામાં આવ્યા હોવાની માહિતી બીજેપીના સૂત્રોમાંથી મળી છે.
મુખ્યમંત્રી અને બીજેપી પ્રદેશ અધ્યક્ષે કરી બેઠક
જણાવી દઈએ કે, બીજેપીમાં પ્રદેશ મહામંત્રીનું પદ એ પ્રદેશ અધ્યક્ષ પછીનું માનવામાં આવે છે. આ પદ પર નિમણૂક નેતાને અલગ-અલગ ઝોનની જવાબદારી સોંપવામાં આવે છે. ભાર્ગવ ભટ્ટને મધ્ય ઝોનની જવાબદારી સોંપવામાં આવી હતી. પરંતુ, હવે એવી માહિતી મળી છે કે, તેમને પ્રદેશ મહામંત્રીના પદ પરથી દૂર કરવામાં આવ્યા છે. સૂત્રો મુજબ, રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બાદ મહાનગરપાલિકાની ચૂંટણી અને ત્યાર બાદ યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં સ્થાનિક કક્ષાએથી પાર્ટીના હાઈ કમાન્ડને પ્રત્યક્ષ અથવા પરોક્ષ રીતે ભાર્ગવ ભટ્ટના વિરોધમાં અનેક ફરિયાદ મળતી હતી. જ્યારે તેમની કેટલીક વાતોને લઇને રાજ્યના મુખ્યમંત્રી અને પાટીલ પણ નારાજ હોઇ મંગળવારે ભાર્ગવ ભટ્ટની સાથે બેઠક કરી હતી.
આ પણ વાંચો…વડોદરા: હનુમાન જયંતીના પગલે યુસ્ત પોલીસ બંદોબસ્ત
કામગીરી નબળી લાગ્યા હોવાની ચર્ચા
સૂત્રો મુજબ, આ બેઠકમાં કેટલાક મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. ત્યાર બાદ આ નિર્ણય લેવાયો હતો. જણાવી દઈએ કે, ભાર્ગવ ભટ્ટ એ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ(આરએસએસ)ના પ્રચારક રહી ચૂક્યા છે અને સંઘના વરિષ્ઠ નેતાઓ સાથે તેમના સારા સંબંધ છે. સૂત્રો મુજબ, ભાર્ગવ ભટ્ટે ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પોતાને ટિકિટ ન મળતા ચૂંટણી સમયે તેમણે કેટલીક નકારાત્મક ભૂમિકા ભજવી હતી. ઉપરાંત, સંગઠનમાં રહેલા અન્ય યુવાન મહામંત્રીઓની સરખામણીએ પાટીલને તેમની કામગીરી પણ નબળી લાગતી હતી. પાર્ટીના આંતરિક વર્તુળમાં ચર્ચા છે કે, સંગઠન મહામંત્રી તરીકે ભાર્ગવ ભટ્ટ ઘણી બાબતોમાં નિષ્ક્રિય રહ્યા છે. બીજી તરફ એવી પણ માહિતી છે કે, આવનારા દિવસોમાં ભાર્ગવ ભટ્ટને કોઈ બોર્ડ નિગમના ચેરમેનની જવાબદારી સોંપવામાં આવી શકે છે. જો કે, હવે નવા મહામંત્રી તરીકે કોની પસંદ કરાશે તેના પર સૌ કોઈની નજર રહેશે.