Gandhinagar, EL News
કોંગ્રેસ નેતા અમિત ચાવડાની આગેવાની હેઠળ પાર્ટીના તમામ ધારાસભ્યોએ મંગળવારે ગાંધીનગરના રાજભવનમાં રાજ્યપાલ સાથે મુલાકાત કરી હતી. આ મુલાકાત દરમિયાન કોંગ્રેસના પ્રતિનિધિમંડળે રાજ્યપાલને ખાસ રજૂઆત કરી છે. માહિતી મુજબ, કોંગ્રેસ પાર્ટીના નેતાઓએ રાજ્યમાં પંચાયતની ચૂંટણીઓ વહેલી યોજવા અંગે રજૂઆત કરી છે.
મળતી માહિતી મુજબ, મંગળવારે અમિત ચાવડાની આગેવાની હેઠળ કોંગ્રેસ પાર્ટીના તમામ ધારાસભ્યો ગાંધીનગરના રાજભવન પહોંચ્યા હતા અને ત્યાં રાજ્યપાલ સાથે મુલાકાત કરી હતી. આ મુલાકાત દરમિયાન કોંગ્રેસ પાર્ટી તરફથી રાજ્યમાં પંચાયતની ચૂંટણીઓ વહેલી તકે યોજવા રજૂઆત કરાઈ છે. આ સાથે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ઓબીસી સમાજને અનામતનો લાભ મળે તેવી માગ પણ કરી હતી. કોંગ્રેસના પ્રતિનિધિમંડળે ઓબીસી સમાજ માટે બનાવાયેલા સર્મપિત આયોગના અહેવાલ સામે રાજ્યપાલને રજૂઆત કરી છે.
આ પણ વાંચો…આ રીતે ભારતીય રેલ્વેએ કરી લીધી કરોડો રૂપિયાની કમાણી
‘OBC સમાજ માટે 27 વર્ષથી બજેટ ફાળવ્યું નથી’
આ સાથે કોંગ્રેસ પાર્ટીના નેતાઓએ રાજ્ય સરકાર પર આરોપ લગાવતા કહ્યું હતું કે, વિધાનસભામાં ભાજપ સરકારે જાણી જોઈને આ અહેવાલ રજૂ કર્યો નહોતો. વિપક્ષે કહ્યું કે, ભાજપ સરકારે રાજ્યમાં 57 ટકા જેટલી ઓબીસીની વસ્તી હોવા છતાં છેલ્લા 27 વર્ષથી ઓબીસી સમાજ માટે એક પણ બજેટ ફાળવ્યું નથી. આ સાથે એવો પણ આરોપ લગાવ્યો કે, રાજ્યમાં 75 નગરપાલિકા, 7 હજારથી વધુ ગ્રામ પંચાયત અને 18 તાલુકા પંચાયતની મુદ્દત પુરી થઈ હોવા છતાં હજુ સુધી ચૂંટણી જાહેર કરાઈ નથી.