Gandhinagar,EL News
ગાંધીનગરના રાંદેસણ ખાતે મેટ્રો ટ્રેનના પાટા નીચે સપોર્ટમાં લગાવવામાં આવતી ફાસ્ટિંગ સિસ્ટમની લોખંડની અંદાજે રૂ.2.40 લાખની કિંમત ધરાવતી કુલ 2700 કિલો વજની 300 નંગ બેઝ પ્લોટની ચોરી કરી તસ્કરો ફરાર થયા હતા. આ મામલે ઇન્ફોસિટી પોલીસે અજાણ્યા ઇસમો સામે ચોરી સહિતનો ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે. એલસીબી-2ની ટીમેને ઘટનાના ગણતરીના કલાકોમાં જ ગુનામાં સંડોવાયેલા અને સ્વીફ્ટ કારમાં ફરતા ત્રણ તસ્કરોને ઝડપી પાડ્યા છે.
હાલ અમદાવાદ-ગાંધીનગર વચ્ચે મેટ્રો ટ્રેનની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. રાંદેસણથી રાયસણ સુધી મેટ્રો ટ્રેનના પાટા લગાવવાનું કામ કે.ઈ.સી. કંપનીના પેટા કોન્ટ્રાક્ટમાં કામ કરતી અભિસાર ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રા.લી. કંપનીને મળ્યું છે. આ કંપનીના સુપરવાઇઝરે નોંધાવેલી ફરિયાદ મુજબ, અભિસાર કંપની દ્વારા રાંદેસણથી રાયસણ સુધીના મેટ્રો ટ્રેન માટેના પાટા લગાવી દેવામાં આવ્યા છે. હાલ આ પાટાનું મેઇન્ટેનન્સ કામ ચાલી રહ્યું છે.
આ પણ વાંચો… સાળંગપુર વિવાદાસ્પદ ભીંતચિત્રોને તોડવાનો પ્રયાસ
આથી 26 ઓગસ્ટના રોજ મેટ્રો ટ્રેનના પાટા ખોલી પાટા નીચે સ્પોર્ટ માટે મૂકવામાં આવતી ફાસ્ટિંગ સિસ્ટમની લોખંડની આશરે 300 નંગ બેઝ પ્લેટ પીલર નંબર P/9/21 પર ખુલ્લી જગ્યામાં મૂકવામાં આવી હતી. જ્યારે 27 ઓગસ્ટે રવિવાર હોવાથી મજૂરો સહિત કર્મચારીઓ ઘરે હતા. આ તકનો લાભ ઉઠાવી કેટલાક અજાણ્યા ઇસમો પીલર પરની લોખંડની 300 નંગ ફાસ્ટિંગ બેઝ પ્લેટની ચોરી કરી ફરાર થયા હતા. ફરિયાદ બાદ એલસીબી-2ની ટીમે સઘન તપાસ હાથ ધરી હતી અને બાતમીના આધારે રક્ષાશક્તિ સર્કલથી ગિફ્ટસિટી વચ્ચે વોચ ગોઠવી શંકાસ્પદ જણાતી એક સ્વિફ્ટ કારને રોકી હતી. તપાસમાં ગાડીમાંથી લોખંડની 4 પ્લેટ મળી આવી હતી. પોલીસે કારમાં બેઠેલા 3 ઇસમની ધરપકડ કરી હતી. પૂછપરછમાં તેમનું નામ રોહિત તરસિંગભાઇ ઠાકોર, લાદુરામ ગુર્જર અને રાયમલજી ઠાકોર હોવાની જણાવ્યું હતું. તેમણે બે સિક્યોરિટી ગાર્ડની મદદથી આ ચોરી કરી હતી. પોલીસે ત્રણેય પાસેથી કુલ રૂ.3.08 લાખનો મુદ્દામાલ જપ્ત કરી આગળની કાર્યવાહી હાથધરી છે.