વડોદરાઃ
કોરોનાકાળમાં દુનિયાભરમાં ઔદ્યોગિક પ્રવૃત્તિઓને અસર થઈ હતી.જોકે ભારતની બીજા દેશોની નિકાસમાં વધારો થઈ રહ્યો છે અને તેની અસર વડોદરા સહિતના મધ્ય ગુજરાતના ઉદ્યોગોની નિકાસ પર પણ દેખાઈ રહી છે.
મધ્ય ગુજરાતના ઉદ્યોગોની નિકાસ હવે એક લાખ કરોડ રુપિયા પર પહોંચી છે.જે ભારતની કુલ નિકાસના એક ટકા છે. આજે ઈન્ટરનેશનલ ટ્રેડ અને લોજિસ્ટિક વિષય પર એન્જિનિયરિંગ એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ અને વડોદરા ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રિઝ દ્વારા એક સેમિનારનુ આયોજન કરવામાં આવ્યુ હતુ.
જેમાં હાજર રહેલા જોઈન્ટ ડાયરેકટર જનરલ ઓફ ફોરેન ટ્રેડ રાહુલ સિંઘે કહ્યુ હતુ કે, અમે પહેલી વખત મધ્ય ગુજરાતના વિવિધ જિલ્લાઓના એક્સપોર્ટના આંકડાઓને એકત્રિત કર્યા છે અને તે પ્રમાણે વડોદરા સહિત મધ્ય ગુજરાતમાંથી ૨૦૨૧-૨૨માં ૭૦ કરતા વધારે દેશોમાં ૧ લાખ કરોડ રુપિયાની નિકાસ થઈ છે.
જેમાં વડોદરા શહેર જિલ્લાના ઉદ્યોગોનો ફાળો ૩૪૦૦૦ કરોડ રુપિયા છે.નિકાસમાં ફાર્માસ્યુટિકલ્સ , કેમિકલ્સ, ઈલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ અને જનરલ એન્જિનિયરિંગ પ્રોડક્ટસ મુખ્ય છે.તેમાં પણ ફાર્માસ્યુટિકલ્સ અને કેમિકલ પ્રોડક્ટસનો નિકાસમાં ફાળો ૫૦ ટકા જેટલો છે.
તેમનુ કહેવુ હતુ કે, વડોદરા એકસ્પોર્ટ માટેનુ હબ બને તે માટે પ્રયાસો કરાઈ રહ્યા છે.આ માટે એક ડિસ્ટ્રિક્ટ લેવલ કમિટિ બનાવાઈ છે અને તેના સૂચનોને અમલમાં મુકવામાં આવી રહ્યા છે.વડોદરામાં વરણામા નજીકનો નવો કન્ટેનર પાર્ક આ મહિનામાં કાર્યરત થઈ જશે.
ઉપરાંત દહેજ ખાતે પણ આ જ પ્રકારનો પાર્ક બની રહ્યો છે અને તેનાથી વડોદરા સહિત મધ્ય ગુજરાતની નિકાસમાં વધારો થશે. રાહુલ સિંઘે કહ્યુ હતુ કે, વર્તમાન વર્ષમાં ભારતની નિકાસ ૪૨૦ અબજ ડોલરથી વધીને ૪૫૦ અબજ ડોલર પહોંચશે તેવો અંદાજ મુકાઈ રહ્યો છે અને વડોદરાની નિકાસ પણ વધશે તેવી આશા છે.
1 comment
[…] આ પણ વાચો…વડોદરા ઉદ્યોગોની નિકાસ રૂ.૧ લાખ કરોડ ઉ… […]