Rajkot, EL News:
રાજ્યમાં લોકો કાતિલ ઠંડીનો અનુભવ કરી રહ્યા છે. ત્યારે ઠંડીમાં વધારો થતા રાજ્યની કેટલીક સ્કૂલોના સમયમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે, પરંતુ રાજકોટ જિલ્લાના ઉપલેટાના સેવંત્રા ગામ ખાતે કંઇક અલગ જ સ્થિતિ જોવા મળી રહી છે. અહીં પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને કડકડતી ઠંડીમાં ખુલ્લા મેદાનમાં બેસાડીને ભણાવવામાં આવી રહ્યા છે.
9 મહિનાથી રૂમ બનાવવાની મંજૂરી અપાઈ
મીડિયા અહેવાલ મુજબ, સેવંત્રાની પ્રાથમિક શાળામાં જર્જરિત ઓરડા તોડી પાડ્યા પછી નવા ઓરડા ના બન્યા હોવાથી પ્રાથમિક શાળાના બાળકોને હાડ થીજવતી ઠંડીમાં ખુલ્લા મેદાનમાં ભેસાડીને ભણાવવામાં આવી રહ્યા છે. આ અંગે સંબંધિત શિક્ષણ અધિકારીએ ગોળગોળ જવાબ આપતા ધારાસભ્ય મહેન્દ્ર પાડલિયાએ તેમને આ અંગે યોગ્ય તપાસ કરીને રિપોર્ટ રજૂ કરવા માટે જણાવ્યું છે. જોકે 9 મહિનાથી શાળામાં રૂમ બનાવવા માટેની મંજૂરી આપવામાં આવી હોવા છતાં પણ રૂમ બનાવવામાં આવ્યા ના હોવાનું જાણવા મળ્યું છે.
આ પણ વાંચો…અમદાવાદ: ગાત્રો ગાળી નાખતી ઠંડીથી મળશે રાહત
સીસીટીવી અને કમ્પ્યુટર જેવી સુવિધા છે પણ ક્લાસ રૂમ નથી
માહિતી મુજબ, શાળામાં સીસીટીવી અને કમ્પ્યુટર જેવી સુવિધા તો છે, પરંતુ બાળકોને બેસવા માટે ઓરડા નથી. આ અંગે સરપંચે જણાવ્યું હતું કે, શાળામાં રૂમ જર્જરિત થઈ ગયા હોવાથી તેને તોડી પાડવામાં આવ્યા છે, જ્યારે નવા રૂમ બનાવવાનું કામ હાલ ચાલુ છે. જોકે ઓરડાના અભાવે બાળકોને કડકડતી ઠંડીમાં ખુલ્લા મેદાનમાં અભ્યાસ કરવાની ફરજ પડી રહી છે. આ મામલે વિવાદ થતા સંબંધિત ઉચ્ચ વિભાગે શાળા તંત્ર પાસે રિપોર્ટ માગ્યો છે.