Rajkot :
દેશની સેવા કાજે યુવાઓને લશ્કરી ક્ષેત્રમાં તક મળે તે હેતુ આર્મી રીક્રુટીંગ ઓફીસ જામનગર દ્વારા તા. ૨૭/૧૦/૨૦૨૨ થી તા. ૦૭/૧૧/૨૦૨૨ દરમિયાન ભુમિ દળમાં અગ્નિવીર સોલ્જરની વિવિધ જગ્યાઓ માટે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી રાજકોટ ખાતે આર્મી ભરતી રેલીનું આયોજન થવા જઈ રહ્યું છે. જેમાં સૌરાષ્ટ્ર, કચ્છ, બોટાદ,ભાવનગર, પાટણ, દીવ સહિતના વિસ્તારમાંથી ઉમેદવારો ભરતી મેળામાં ભાગ લેશે. ભરતી રેલી દરમિયાન અંદાજે રોજના ૪ હજાર જેટલાં ઉમેદવારોની કસોટી લેવામાં આવશે.
આ ભરતી રેલીનો મુખ્ય ઉદ્દેશ્ય ગુજરાતના યુવાનો માટે રોજગારીનું સર્જન કરવાનો છે જેથી તેઓને ભારતીય સેનાના ભાગ રૂપે માતૃભૂમિની સેવા કરવાની અને ગૌરવપૂર્ણ જીવન જીવવાની તક પ્રાપ્ત થાય. અગ્નિવીર જનરલ ડ્યુટી , અગ્નિવીર ટેકનિકલ , અગ્નિવીર કારકુન / સ્ટોર કીપર , અગ્નિવીર ટ્રેડ્સમેન ( ધોરણ ૧૦ પાસ ) અને અગ્નિવીર ટ્રેડ્સમેન ( ધોરણ ૮ પાસ ) શ્રેણીઓ માટે ભરતી હાથ ધરવામાં આવશે. જે ઉમેદવારોએ સફળતાપૂર્વક પોતાનું ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવ્યું છે તેમના એડમિટ કાર્ડ તેમના સંબંધિત ઈમેલ આઈ.ડી. પર મોકલવામાં આવ્યા છે. ઉમેદવારોને તેમના પ્રવેશ કાર્ડ પર દર્શાવેલ તારીખ મુજબ જિલ્લા અને તાલુકા મુજબ ચકાસવામાં આવશે.
આ ઉમેદવારોની બાયોમેટ્રિકલી ચકાસણી કરવામાં આવશે અને ઉમેદવારોને વાસ્તવિક પસંદગી કસોટીઓમાંથી પસાર થવાની મંજૂરી આપતા પહેલા રેલી માટેના પ્રવેશ કાર્ડ સ્કેન કરવામાં આવશે. જે ત્રણ તબક્કામાં લેવામાં આવશે. શારીરિક કસોટીઓ, તબીબી પરીક્ષણો અને સામાન્ય પ્રવેશ પરીક્ષા (લેખિત પરીક્ષા). જેઓ શારીરિક અને તબીબી રીતે સ્વસ્થ જણાય છે તેઓને જાન્યુઆરી ૨૦૨૩ (CEE – કોમન એન્ટ્રન્સ એક્ઝામ ) માંથી પસાર થશે. અંતિમ મેરિટમાં પસંદ કરાયેલા ઉમેદવારોને પછી રાષ્ટ્રની સેવા માટે ભારતીય સેનામાં અગ્નિવીર તરીકે જોડાવા માટે બોલાવવામાં આવશે.
આ પણ વાંચો… અમદાવાદમાં દિવાળીની રાત્રે સર્વત્ર આગની ઘટનાઓ બની
ઉલ્લેખનીય છે કે, રેલી દરમ્યાન ઉમેદવારોને કોઈપણ જાતની તકલીફ ન પડે તે માટે જિલ્લા વહીવટી તંત્ર, મહાનગરપાલિકા, પોલીસ વિભાગ તેમજ યુનિવર્સીટી દ્વારા સંયુક્ત રીતે વિવિધ ૧૨ કમિટીઓ કાર્યરત રહેશે. વધુમાં ઉમેદવારો ભરતી પ્રક્રિયા વખતે યોગ્ય પ્રક્રિયાને અનુસરે અને તમામ જરૂરી અસલ પ્રમાણપત્રો/દસ્તાવેજો પ્રમાણિત ફોટોકોપી સાથે રાખવી જરૂરી છે. સમગ્ર ભરતી પ્રક્રિયા પારદર્શિતા સાથે કરવામાં આવશે ત્યારે વધુ માહિતી માટે ઉમેદવારો JIA portal/arojamnagar@gmail.com પર અથવા નંબર ૦૨૮૮-૨૫૫૦૩૪૬/ ૮૮૬૬૯૭૬૧૮૮ પર કૉલ કરીને સંપર્ક સાધવાનો રહેશે.