Job :
જીટીયુ ખાતે આગામી 10 સપ્ટેમ્બરના રોજ સેન્ટ્રલાઈઝ્ડ એન્જિનિયરીંગ પ્લેસમેન્ટ ફેર યોજાશે. જેમાં ટેક મહિન્દ્રા , મારૂતિ સુઝુકી પોપ્યુલર, એસ્ટ્રલ પાઈપ્સ, ટાટા ઓટો કોમ્પ. જેવી એન્જિનિયરીંગ ક્ષેત્રની 50 થી વધુ અગ્રગણ્ય કંપનીઓ આ ફેરમાં હાજર રહશે.
ટેક્નિકલ શિક્ષણમાં દેશના વિદ્યાર્થીઓની પસંદગીમાં અગ્રસ્થાન પામનાર ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટી
રાજ્યની સૌથી મોટી ટેક્નોલોજીકલ યુનિવર્સિટી તરીકે નામના મેળવનાર અને ટેક્નિકલ શિક્ષણમાં દેશના વિદ્યાર્થીઓની પસંદગીમાં અગ્રસ્થાન પામનાર ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટી (જીટીયુ) વિદ્યાર્થીના શિક્ષણની સાથે – સાથે તેની લાયકાત આધારીત રોજગારીની તક મળી રહે તે અર્થે પ્લેસમેન્ટ માટે પણ કાર્યરત રહે છે. આગામી તારીખ 10 સપ્ટેમ્બરના રોજ જીટીયુના ઈન્ટીગ્રેટેડ ટ્રેનિંગ એન્ડ પ્લેસમેન્ટ વિભાગ અને કેડ સેન્ટર અમદાવાદના સંયુક્ત ઉપક્રમે જીટીયુ ચાંદખેડા કેમ્પસ ખાતે સેન્ટ્રલાઈઝ્ડ એન્જિનિયરીંગ પ્લેસમેન્ટ ફેર યોજાશે. જેમાં જીટીયુ સંલગ્ન તમામ એન્જિનિયરીંગ કૉલેજના વર્ષ 2021-22માં પાસ થયેલા ડિપ્લોમાં , બી.ઈ અને એમ.ઈના વિદ્યાર્થીઓ ભાગ લઈ શકશે. આ સંદર્ભે જીટીયુના કુલપતિ પ્રો. ડૉ. નવીન શેઠે જણાવ્યું હતું કે, જીટીયુ વિદ્યાર્થીઓના શિક્ષણની સાથે તેમના રોજગારલક્ષી કાર્યક્રમો માટે પણ સતત કાર્યશીલ રહે છે. આ પ્લેસમેન્ટ ફેરથી 1200 જેટલા વિદ્યાર્થીઓને રોજગારીની તકો પૂરી પાડવામાં આવશે. જીટીયુના કુલસચિવ ડૉ. કે. એન. ખેરે પણ બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓને આ પ્લેસમેન્ટ ફેરમાં ભાગ લેવા માટે અપીલ કરી છે.
આ પણ વાંચો… ગોવાની મુલાકાતથી ત્વચાની ટેનિંગથી છુટકારો મેળવવો
આ પ્રસંગે જીટીયુના કુલપતિ પ્રો.ડૉ. નવીન શેઠ , જીટીયુ એન્જિનિયરીંગ શાખાના ડિન ડૉ. જી.પી. વડોદરીયા , જીટીયુ ડીઆઈઆરના ડાયરેક્ટર ડૉ. કેયુર દરજી તેમજ ઈન્ડસ્ટ્રીઝના પણ નામી અગ્રણીઓ ઉપસ્થિત રહશે. ટેક મહિન્દ્રા , મારૂતિ સુઝુકી પોપ્યુલર, એસ્ટ્રલ પાઈપ્સ, ટાટા ઓટો કોમ્પ. જેવી એન્જિનિયરીંગ ક્ષેત્રની 50 થી વધુ અગ્રગણ્ય કંપનીઓ આ ફેરમાં હાજર રહીને 1200થી વધુ જગ્યાઓ માટે પ્લેસમેન્ટ પૂરું પાડશે. પ્લેસમેન્ટ ફેરમાં 2500થી વધુ વિદ્યાર્થીઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે. વઘુમાં ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓએ કોવિડ-19ની તમામ પ્રકારની ગાઈડલાઈનનું પાલન કરવાનું રહશે.